જાંબુડાથી સેદરડા દિકરાની સગાઈ કરી ટ્રેક્ટરમાં પરત ફરતા જાંબુડાના ગોહિલ પરિવારને નડેલ અકસ્માતમાં બે વ્યક્તિનાં મૃત્યુ નિપજ્યા હતા જ્યારે કે સાત વ્યક્તિઓને ગંભીર ઈજા અને પાંચને સામાન્ય ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આજે મોડીસાંજે સેદરડાથી જાંબુડા દિકરાનું વેવિશાળ કરી પરત ફરી રહેલા ગોહિલ પરિવારના ટ્રેક્ટરનાં ટ્રેલરનો હુંક છુટો પડી જતા ટ્રેલર ઢાળમાં દડી ખાબોચીયામાં ઊંધુ પડી જતાં જાંબુડાના બોઘાભાઈ કેશુભાઈ ગોહિલ (ઉં.વ.૬૫)નું સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે મહુવા હોસ્પિટલમાં સારવાર દરમિયાન સુનિતાબેન વલ્લભભાઈ (ઉં.વ.૧૪)નું મૃત્યું થયું હતું.
જ્યારે કે આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલ રેખાબેન, હંસાબેન નાથાભાઈ, રામુબેન ગોહિલ, દિલુબેન માધાભાઈ, દવલ કાનાભાઈને તેમજ અન્ય ત્રણેક વ્યક્તિઓને ફ્રેકચર સહિતની ઈજા થતાં તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ અકસ્માતની ૧૦૮ને જાણ કરાતા અને ૧૪-૧૫ને ઈજા થવા પામી હોય લોંગડી, બગદાણા અને મહુવાની એમ ત્રણ ૧૦૮ ઘટનાસ્થળે પહોંચી ગયેલ. આ ઘટનાની જાણ મહુવા કોળી સમાજના આગેવાનોને મળતા તેઓ હોસ્પિટલ પહોંચી ગયા હતા.મહુવા પોલીસે બનાવની જાણ બગદાણા પોલીસને કરતા બગદાણા પોલીસે મૃતદેહને મહુવા પહોંચાડી પી.એમ.ની કાર્યવાહી અને બનાવની વધુ તપાસ હાથ ધરી છે.
વેવીશાળનો શુભ પ્રસંગ પૂર્ણ કરી પરત ફરતા ગોહિલ પરિવારમાં અકસ્માતે બેના મોત નપિજતા અને મોટાભાગનો પરિવાર ઈજાગ્રસ્ત થતાં આ આનંદ શોકમાં ગરકાવ થઈ ગયેલ અને જાંબુડા ગામમાં ભારે શોકનું વાતાવરણ છવાઈ જવા પામ્યું હતું.
રંડોળા પાસે ટેમ્પોએ બાઈક ચાલકને અડફેટે લેતા મોત
પાલિતાણા બ્યુરો : મઢડા ગામે રહેતા ભરતભાઈ ધનજીભાઈ બાંભણીયા પોતાનુ મોટર સાયકલ લઈ રંડોળા રોડ પરથી પસાર થતાં હતાં દરમિયાન સામેથી આવતા અજાણ્યા થ્રીવ્હીલર ટેમ્પો ચાલકે તેઓને અડફેટે લેતા અને તેઓને માથાનાં ભાગે ગંભીર ઈજા થતાં તેઓનું મોત નિપજ્યું હતું. આ અંગે તેમનાં બનેવી અશોકભાઈ જીવરાજભાઈ બાવળીયા કોળી (રહે.ચોગઠ તા.ઉમરાળા)એ અજાણ્યા ટેમ્પો ચાલક વિરૂદ્ધ પાલિતાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયેલ છે.