- આજુબાજુના લોકો આ દ્રશ્ય નિહાળવા ઉમટી પડ્યા
- રાજુલામાં આવેલ મફતપરા વિસ્તારમાં ગતરાત્રીના લડાઇ જામી પડી
રાજુલામાં આવેલ મફતપરા વિસ્તારમાં ગતરાત્રીના એક રહેણાંક મકાનમાં વરૂદતી જાતિના સાપ અને કાંચીડા વચ્ચે લડાઇ જામી પડી હતી. ઘરમાં કપડા સુકવવાની દોરી પર બેઠેલા કાંચીડા પર આ સાપ ત્રાટક્યો હતો. મકાન માલિક જાગી જતા તેઓએ આ વાતની જાણ સર્પ સંરક્ષણ મંડળના પ્રમુખને કરતા તેઓ તુરત દોડી આવ્યા હતા. અને સાપ અને કાંચીડાને પકડીને મુકત કર્યા હતા.
મફતપરામાં રહેતા નગરપાલિકાના સદસ્ય રાહુલભાઇ બાંભણીયા ગતરાત્રીના ઘરમાં સુતા હતા ત્યારે બે વાગ્યાના સુમારે ઘરમાં રાખેલી કપડા સુકવવાની દોરી પર સાપ અને કાંચીડાની લડાઇ જોઇ જતા તેઓ સફાળા જાગી ઉઠયા હતા. અને ઘરના સભ્યોને પણ જગાડયા હતા. તેઓએ તુરત જ સર્પ સંરક્ષણ મંડળના પ્રમુખને જાણ કરતા તેઓ તુરત ઘરે આવી પહોંચ્યા હતા.
સાપ અને કાંચીડાની લડાઇની વાતની જાણ થતા આજુબાજુના લોકો આ દ્રશ્ય નિહાળવા ઉમટી પડ્યા હતા. સર્પ સંરક્ષણ મંડળના પ્રમુખે જણાવ્યું હતું કે આ સાપ વરૂદતી જાતિનો સાપ છે અને તે પુંછડીથી ત્રાટકીને શિકાર કરે છે. તેઓએ તુરત આ સાપ અને કાંચીડાને પકડીને મુકત કર્યા હતા.