કલ્યાણપુર તાલુકાના ભાટિયામાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં મધરાતે સેફટી એલાર્મ ગુંજી ઉઠતા લોકો એકત્ર થયા હતાં. જો કે, પોલીસે દોડી આવ્યા બાદ બેન્કકર્મીને બોલાવી તપાસણી કરાતા કશું વાંધાજનક મળ્યું ન હતું. પણ મુષકની કરામત હોવાનું ખુલવા પામ્યુ હતું.
ભાટિયામાં એસબીઆઇમાં રાત્રે ૧૨.૧૫ના સુમારે એકાએક બેન્કનું સેફટી એલાર્મ વાગતા આજુબાજુના લોકો એકત્ર થયા હતાં. સ્વાભાવિક રીતે જ કોઇ અંદર હોવાની આશંકાથી તુરંત પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસ અને એકત્ર લોકોએ આજુબાજુમાં તપાસણી કરતા કશું વાંધાજનક જણાયું ન હતું.
જો કે, ત્યારબાદ બેન્ક કર્મીને બોલાવતા તેણે બેન્કની ગ્રીલ ખોલીને શટ્ટર ઉંચુ કરતા જ એલાર્મ બંધ થઇ ગયો હતો. ત્યારબાદ અંદર પણ તપાસણી કરતાં કશું વાંધાજનક મળ્યુ ન હતું. આખરે એક જગ્યાએ ઉંદરે ટોંચો માર્યો હોય તેવું દેખાયું હતું.