- પોરબંદરના શિંગડા ગામના દાનવીર અમરશીભાઈએ ૨૬ દિવસ પહેલાં જીવતા જગતિયું કર્યું હતું
પોરબંદર જિલ્લાના શિંગડા ગામમાં વર્ષો સુધી સરપંચ તરીકેની સેવા બજાવી ચુકેલા અને છ-છ દાયકાથી શિંગડા મઠમાં સામાન્ય નાગરિકની જેમ સેવા કરતા દાનવીર અમરશીભાઈએ આજે સાંજે ચાર વાગ્યે અંતિમ શ્વાસ છોડ્યો હતો અને પોતાનું દેહદાન તથા ચક્ષુદાન કર્યું હતું.
તા. ૮-૧-ર૦૧ર ના રોજ અમરશી અદાએ શિંગડા ગામે જીવતા જગતિયું કરીને પોતાની પાછળ કોઈ ક્રિયા ન કરવા પરિવારજનોને જણાવ્યું હતું. જીવતા જગતિયા સમયે સમસ્ત ગ્રામજનોને જમાડ્યા હતા અને શિંગડા ગામમાં જ ગાયો માટે પ્રાણ પાથરી દેનાર અમરશી અદાએ પોતાના જ હાથે ભવ્ય ગૌશાળાનું નિર્માણ કરાવ્યું હતું.
અમરશી અદા શિંગડા ગામ માટે ભગવાનનું રૂપ કહી શકાય તેમ સરપંચ પદે વર્ષો સુધી સેવા બજાવી હતી.
શિંગડા મુળ વિશ્રામ દ્વારકા નામે ઓળખાય છે અને આ ગામમાં અમરશી અદાએ અનેક સેવાયજ્ઞોના પણ કામ કર્યા છે. ત્યારે આજે અમરશી અદાએ પોતાનો દેહ છોડી દેતા આજે ગામને એક દાનવીર દાતાની ખોટ પડી હતી. જો કે માણસ જીવતા તો ઘણું બધું કામ કરે છે પરંતુ પોતાના અંતિમ શ્વાસ છોડ્યા પછી પણ બીજાને કામ આવે છે તેમ અમરશી અદાએ જીવતા-જીવતા શિંગડા મઠમાં છ-છ દાયકા સુધી પોતાની સેવા આપી હતી.
ગામની ગાયો માટે પોતે આજીવન ગૌ સેવા કરી હતી અને અંતિમ શ્વાસે પણ ગૌશાળા બનાવીને પોતે ધન્યતા અનુભવી હતી. સેવાભાવી અમરશી અદાના નિધનથી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
વસંત પંચમીએ પાંચ સમુહ લગ્ન કરાવ્યા હતા -
શિંગડા ગામમાં સેવાયજ્ઞ કરનાર દાનવીર દાતા તરીકે જાણીતા અમરશી અદાએ વસંત પંચમીને દિવસે જ પાંચ સમુહ લગ્ન કરાવ્યા હતા. જેમાં તેમણે પાંચેય દીકરીઓને કરીયાવર સહિતની ઘરવખરી આપી હતી અને હવે અમરશી અદાની ઈચ્છા મુજબ તેના પરિવારજનો આગામી વસંત પંચમીએ ૧૧ સમુહ લગ્નનું પણ આયોજન કરશે તેમ તેમના પરિવારે જણાવ્યું હતું.