ભાવનગર શહેર અને જિલ્લામાં પાક અને પાણીના પ્રશ્ને જીવાદોરી સમા શેત્રુંજી ડેમના આજે સાંજે બરાબર ૬ કલાકે ૫૯ પૈકી ૨૫ દરવાજા બે ફૂટ ખોલી નાંખતાં તેના નીચાણવાળા વિસ્તારમાં સૌરાષ્ટ્રના આ મહાકાય ડેમમાંથી નોંધપાત્ર જથ્થો વહેતો થયો છે. શેત્રુંજી ડેમ તેની સ્થાપના બાદ ૧૬મી વખતી ઓવરફલો થતાં સમગ્ર ભાવનગર જિલ્લામાં હરખની હેલી ફરી વળી છે.
પાલીતાણા નજીકના રાજસ્થળી ગામે આવેલા શેત્રુંજી ડેમની ૩૪ ફૂટની છલક સપાટીને આજે આંબી ગયા બાદ આવક શરૂ રહેતા આજે સાંજે ૬ કલાકે ડેમમાં ૨૫ દરવાજા ખોલવામાં આવ્યાં હતાં. ૨૯’ધ્૫’ની સાઈઝના આ ૨૫ દરવાજા ખોલતાની સાથે જ ૬૫૦૦ કયુસેક પાણીનો ધસમસતો જથ્થો નિચાણવાળા વિસ્તારમાં વહેતો થતાં તળાજા તાલુકાના શેત્રુંજી કાંઠાના તમામ ગામોના લોકોને સાવચેતી સાધવા સૂચના આપી દેવામાં આવી હતી.
ગત વર્ષે ઓછા વરસાદને લીધે આ ડેમ ખાલી રહી ગયો હતો તે આ વર્ષે સંતોષકારક ચોમાસાને લીધે છલકાઈ જતાં ખેડૂતો અને ખાસ કરીને ભાવનગરની પાણી પ્રશ્ને કાયમ તંગી અનુભવતી પ્રજામાં જન્માષ્ટમી બાદ નોમના પર્વે હરખની હેલી ચડી છે. આ ડેમમાં આજે સાંજે પણ ૧૪૧૩ કયુસેક પાણીની આવક શરૂ હતી.