શેત્રુંજી ડેમ ઓવરફલો થવામાં હવે માત્રને માત્ર બે ઈંચ જ ઉણો છે. ગઈ કાલે ૩૩ ફૂટે હિલોળા મારતું પાણી આજે ૧૦ ઈંચથી વધીને ૩૩.૧૦ ફૂટ ડેમની સપાટી થઈ ગઈ છે. ડેમ ઓવરફલો થવામાં લોકોમાં ભારે ઈન્તેજારી જાગી છે.
છેલ્લા સપ્તાહમાં શેત્રુંજી ડેમમાં નોંધપાત્ર નવા નીરની આવક થઈ છે. આજે બુધવારે સવારે ૧૫૦૦૦ કયુસેક પાણીના પ્રવાહની ઉપરવાસમાંથી આવક શરૂ રહી હતી. ૩૪ ફૂટે ઓવર ફલો થતાં શેત્રુંજી ડેમમાં સતત નવા નીરની આવક ચાલું જ રહી છે.
જોકે, સવારે ધસમસતો પ્રવાહ બપોર પછી ધીમો પડી ગયો છે. પાણીની આવક ઘટીને ૫૦૦૦ કયુસેક અને મોડી રાત્રે ૧૪૦૦ કયુસેક થઈ ગઈ હતી તેમ છતાં હવે બે ઈંચ ઉણો શેત્રુંજી ડેમ સંભવિત કાલે વહેલી સવારે ઓવરફલો થવાની સંભાવના સિંચાઈ વર્તુળોએ વ્યક્ત કરી છે.
શેત્રુંજી ડેમ ૧૬મી વખત ઓવરફ્લો થવાને આરે
તાજેતરમાં જુનાગઢ અને અમરેલી પંથકમાં ભારે વરસાદથી ભાવનગર જિલ્લાના પાલિતાણા પાસેનો રાજસ્થળી ગામ નજીકનો મહાકાય શેત્રુંજી ડેમ તેની ૩૪ ફૂટની છલક સપાટીને આંબી જવાની તૈયારીમાં છે. ૧૬મી વખત ઓવરફ્લો થનારા આ ડેમમાં છેલ્લાં ચારેક દિવસાં છએક ફૂટ નવું પાણી આવ્યું છે.
અગાઉના વર્ષોમાં શેત્રુંજી ડેમ ૧૯૫૯, ૧૯૬૪, ૧૯૬૫, ૧૯૭૦, ૧૯૭૬, ૧૯૮૦, ૧૯૮૨, ૧૯૮૩, ૧૯૮૮, ૧૯૯૪, ૨૦૦૨, ૨૦૦૫, ૨૦૦૬, ૨૦૦૭ અને ૨૦૦૮માં છલકાયો હતો. ગત વર્ષે ઓછા વરસાદને લીધે ખાલી રહી ગયેલા સૌરાષ્ટ્રના આ સૌથી મોટા જળાશયનો મુખ્ય સ્ત્રોત શેત્રુંજી નદી છે જે ગીરના જંગલમાં શીરવાણ ગામની તળેટી નજીક આવેલા જંગલમાં મથુરામાળ ડુંગરમાળના ચાંચ શિખરમાંથી પ્રગટ થઈ અમરેલી અને ભાવનગર જિલ્લાનો ૧૩૭.૮૮ કિ.મી.નો પંથ કાપી તળાજાના સરતાનપર ગામ પાસે ખંભાતના અખાતને
મળે છે. બંધની કુલ લંબાઈ ૨૫૨૪ ફૂટ અને ઊંચાઈ ૮૩ ફૂટ છે.