ભાવનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારનો આગામી તા.૨૮ના રોજ યોજાનાર ગરીબ મેળાના દિવસે પ્રદેશ ભાજપ પ્રમુખ અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા બન્ને ભાવનગરમાં હોવાથી રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે.
દક્ષિણ વિધાનસભા વિસ્તારનો આગામી તા.૨૮મી ઓગસ્ટના રોજ ચિત્રા માર્કેટયાર્ડ ખાતે યોજાનાર ગરીબ કલ્યાણ મેળામાં ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ ઉપરાંત પ્રદેશ ભાજપ પ્રમુખ આર.સી. ફળદુ પણ ઉપસ્થિત રહેશે. પ્રદેશ ભાજપના પ્રમુખની હાજરીને કારણે ગરીબ મેળાને સફળ બનાવવા માત્ર સરકારી તંત્ર જ નહીં પરંતુ ભાજપના કાર્યકરો-આગેવાનો પણ દોડાદોડી કરી રહ્યા છે.
જેની સામે ગરીબ મેળાનો કોંગ્રેસ દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો છે ત્યારે શનિવારે દક્ષિણ વિસ્તારના ગરીબ મેળાના દિવસે દક્ષિણના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલ પણ ભાવનગર ખાતે કોંગ્રેસી કાર્યકર્તાઓ સાથે બેઠકો યોજનાર હોવાનું જાણવા મળેલ છે. ભાજપના પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં ભાવનગરમાં ગરીબ મેળો યોજાનાર છે ત્યારે કોંગ્રેસ દ્વારા તેનો કોઈ વિરોધદર્શી કાર્યક્રમ ઘડાયો નથી. માત્ર બહિષ્કાર જ કરશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ અગાઉ ભાજપ અને કોંગ્રેસના સમાંતર કાર્યક્રમ ભાવનગરમાં યોજાયા હતા જેમાં ભાજપની મશાલ રેલી હતી તો સામા પક્ષે કોંગ્રેસ દ્વારા હેવમોર ચોકમાં પ્રદેશના નેતાઓની હાજરીમાં જાહેરસભાનું આયોજન કર્યું હતું.