૫.૫ ડિગ્રી કાતિલ ઠંડીના અડિંગાને પગલે સતત બીજા દિવસે જનજીવનને માઠી અસર: પશુ-પક્ષીઓ ઠૂંઠવાયા
જામનગર શહેર-જિલ્લામાં સંભવત અંતિમ ચરણમાં પહોચેલો શિયાળો દિન પ્રતિદિન ઠંડીના નવા રેકર્ડ સર્જી રહ્યો છે.બુધવારે ૬.૨ ડીગ્રીએ પહોચેલો તાપમાનનો પારો ગુરૂવારે વધુ નીચે સરક્તા ૫.૫ ડીગ્રી ઠંડીના કહેરથી જનજીવન રીતસર ધ્રુજી ઉઠ્યુ હતુ.ચાલુ વર્ષના શિયાળાની સૌથી વધુ ઠંડીથી હાલારીઓ ઠુંઠવાયા હતા.
જમ્મુ કાશ્મીરમાં હિમ વર્ષા અને ઉત્તર પુર્વીય પવનના પગલે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ચાલુ સપ્તાહના પ્રારંભથી જ કોલ્ડ વેવ છવાયો છે. જેમાં જામનગરમાં પણ બુધવારથી કડકડતી ટાઢે અડીંગો જમાવ્યા બાદ ગુરૂવારે પણ ઠંડીનું મોજુ વધુ પ્રચંડ બન્યુ હતુ.
જામનગરમાં સંભવત અંતિમ તબકકામાં પ્રવેશેલા હેમાળામાં હાડ થીજાવતી કાતિલ ઠંડીનો લોકોેએ અહેસાસ કર્યો છે.ગુરૂવારે લધુતમ તાપમાન ૫.૫ ડીગ્રી અને મહતમ તાપમાન ૨૦.૮ ડીગ્રી નોંધાયુ હોવાનું કંટ્રોલ રૂમે જણાવ્યુ હતુ.ભેજનુ પ્રમાણ ૪૮ ટકા અને પવનની ગતિ પ્રતિ કલાક ૪.૬ કી.મી. રહી હોવાનું જણાવાયુ છે.
જામનગર ઉપરાંત ખંભાળિયા, કાલાવડ, ભાણવડ, લાલપુર, જામજોધપુર વગેરે પંથકમાં પણ કાતિલ ઠંડીનું મોજુ પ્રસરી ગયુ હતુ જેના પગલે જનજીવન ભારે પ્રભાવિત થયુ હતુ. ઠંડીના પ્રકોપના પગલે સવારે શાળા-કોલેજે જતા છાત્રોએ ભારે હાલાકીનો સામનો કર્યો હતો.જ્યારે વહેલી સવારે અને મોડી સાંજ બાદ સતત ધમધમતા રાજમાર્ગો પણ સ્વયંભુ કર્ફ્યુ જેવા માહોલ વચ્ચે અવર જવર તદન પાંખી જોવા મળી હતી.
ચાલુ વર્ષે મોડા આગમન બાદ વિદાય પુર્વે શિયાળાએ આક્રમક મિજાજ દર્શાવતા હજુ પણ એક-બે દિવસ ઠંડીનું જોર યથાવત રહેવાનું અનુમાન હવામાન વિભાગ દ્રારા વ્યક્ત કરાયુ છે.
મોસમની વિક્રમી ઠંડી
ચાલુ વર્ષે શિયાળાએ ફેબ્રુઆરી માસમાં આક્રમક મિજાજ દર્શાવ્યો છે.બુધવાર બાદ ગુરૂવારે પણ ઠંડીએ કહેર વરસાવતા મૌસમનો સૌથી વધુ ઠંડો દિવસ બન્યો હતો. જોકે,સિઝનમાં અત્યાર સુધીમાં પ્રથમ વાર જ લધુતમ તાપમાનનો પારો છ ડીગ્રીથી નિચે ગગડ્યો હતો અને ગુરૂવારે ન્યુનતમ તાપમાન ૫.૫ ડીગ્રી નોંધાયુ હતુ.
જોડિયા પંથકમાં હિમથી પાકને નુકસાન
સખ્ત ઠંડી અને ઠંડા પવનનો વાયરો ફુંકાવાના કારણે દરીયા કાંઠાના જોડીયા તાલુકાના ગામો અને આમરણ ચોવીસી પંથકમાં હિમ પડવાથી ખેતીવાડીના પાકોને નુકશાન થયુ છે.ખાસ કરીને દેશી કપાસ અને એરંડાના પાકને હિમથી ખુબ જ ખરાબ અસર થવાના કારણે કપાસ-એરંડાના પાકને પચાસ ટકાથી પણ વધુ નુકશાન થયુ છે ત્યારે આ બાબતે તાત્કાલિક તપાસ કરાવી ઠંડી-હિમના કારણે નુકશાની પામેલા પાકોની નુકશાની માટે અસરગ્રસ્ત ખેડુતોને ઝડપથી જરૂરી આર્થિક સહાય કરે તેવો અનુરોધ ધારાસભ્ય રાધવજી પટેલે કર્યો છે.