દરરોજ સવારથી જ ટ્રેનના બુકીગ માટે મુસાફરોની લાંબી લાઇનો લાગતી હોય સુવિધા વધારવા માટે ઉઠવા પામેલી લોકમાંગણી
રેલવે તંત્ર દ્વારા સાંસદ રાજુભાઇ રાણાના પ્રયત્નોથી સંસ્કાર મંડળ ખાતે શરૂ કરવામાં આવેલા સિટી રિઝર્વેશન સેન્ટરને ટૂંકા સમયમાં જ મુસાફરો દ્વારા સારો રિસ્પોન્સ મળવા લાગ્યો છે. તત્કાલ ટિકિટનું બુકિંગ કરાવવા માટે વહેલી સવારથી અત્રે પણ લાંબી લાઇનો લાગવા મંડી હોવાથી અત્રે બીજી બુકિંગ બારી ખોલવા માટે માંગ ઉઠવા પામી છે.
સંસ્કારમંડળ ખાતે શરૂ કરવામાં આવેલા સિટી રિઝર્વેશન સેન્ટર ખાતે હાલ તુરત એક જ બુકિંગ વિન્ડો રાખવામાં આવી છે. તળાજા રોડ, ભરતનગર, કાળીયાબીડથી માંડી વાઘાવાડી વિસ્તારના લોકોને હવે ટિકિટ મેળવવા માટે ૪-૫ કિલોમીટર દૂર આવેલા રેલવે સ્ટેશન સુધી ધકકો થતો નથી અને ઘરઆંગણે જ આ સુવિધા ઉપલબ્ધ થઇ જતાં તેઓ હવે આ સેન્ટરનો જ મહતમ ઉપયોગ કરવા લાગ્યા છે.
હાલમાં એક જ ટિકિટ બારી હોવાથી અત્રે પિક અવર્સમાં બુકીગ માટે ભારે ધસારો થાય છે.તેમાંય વળી હાલ વેકેશનનું બુકીગ ચાલી રહયું હોય લોકોમાં એવી માંગ ઉઠવા પામી છે કે અત્રેz રેલવે તંત્ર દ્વારા અત્રે બીજી બારી ખોલવામાં આવે તો લોકોને વધુ સવલત મળી શકે. રેલવે તંત્ર આ અંગે ગંભીરતાપૂર્વક વિચારણા કરે.
આ અંગે ભાવનગર રેલવે ડિવિઝનના ડીસીએમ ચંદ્રશેખર કુરીલે માહિતી આપતા જણાવ્યું હતું કે આ સેન્ટરને બહુ સારો પ્રતિસાદ સાંપડયો છે. હાલ રોજ ૮૦થી ૯૦ જેટલા ફોર્મ બુકિંગ માટે આવી રહયા છે જેથી સરેરાશ ૪૦થી ૬૦ હજાર રૂપિયા જેવી આવક થઇ રહી છે.અત્રે જો દરરોજ ૧૫૦ કરતા પણ વધુ ફોર્મની કામગીરી થાય તો ભવિષ્યમાં બીજી શિફટ અંગે વિચારી શકાય.
સુરક્ષા માટે રેલવે તંત્ર દ્વારા આશ્ચર્યજનક ઉપેક્ષા..
સંસ્કાર મંડળ ખાતે શરૂ કરવામાં આવેલા રેલવે રિઝર્વેશન સેન્ટરને મુસાફરો તરફથી સારો પ્રતિસાદ સાંપડયો છે. લોકોનો ધસારો પણ ખૂબ થઇ રહયો હોવા છતાં અત્રે સુરક્ષા માટે રેલવે દ્વારા આશ્ચર્યજનક રીતે ઉપેક્ષા સેવવામાં આવી રહી છે. અત્રે મુસાફરોના નિયમન માટે આરપીએફના જવાનો ફાળવવાની જરૂરિયાત છે. આ ઉપરાંત અત્રે દરરોજ સરેરાશ રૂ ૩૦૦૦૦ ઉપરાંતની આવક થઇ રહી છે.ત્યારે પણ કોઇ અઘટિત બનાવ બને તે પહેલા અત્રે સુરક્ષા માટે રેલવે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા ગોઠવાય તે ઇચ્છનિય છે.