સૌરાષ્ટ્ર સમાચાર અને સિલ્વર બેલ્સ સ્કૂલ દ્વારા આયોજન
દિવ્ય ભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચાર અને સિલ્વર બેલ્સ ઈંગ્લીશ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે આજે સવારે ટ્રાફિક જાગૃતિ તેમજ પર્યાવરણ અને પેટ્રોલ બચાવવાના સંદેશ સાથે પદયાત્રા રેલી યોજાઇ હતી જેમાં બહોળી સંખ્યામાં શાળાના ભુલકાઓ જોડાયા હતા અને સૌ કોઇને આ અંગેની જન જાગૃતિ ફેલાવી હતી.
સૌરાષ્ટ્ર સમાચાર અખબારના અનેક અભિયાનો પૈકી પર્યાવરણની કાળજી લેવાના હેતુથી આયોજિત આ વિદ્યાર્થીઓની રેલીને સવારે સિલ્વર બેલ્સ સ્કૂલના મે.ટ્રસ્ટી કેપ્ટન કિરીટસિંહ અને સૌરાષ્ટ્ર સમાચારના યુનિટ હેડ રાજેન્દ્રસિંહ યાદવે લીલીઝંડી ફરકાવીને રેલીને પ્રસ્થાન કરાવ્યુ હતુ. વિદ્યાર્થીઓની આ રેલી ગો ગ્રીનના વિવિધ સંદેશાત્મક બેનરો સાથે લોકોમાં જાગૃતિ ફેલાવી હતી.આ ઉપરાંત ટ્રાફિક જાગૃતિ સ્વરૂપે ચાલુ વાહને મોબાઇલ વાપરવો, વાહનચાલક માટે હેલમેટ પહેરવી, સિટબેલ્ટનું મહત્વ વિ. અંગે જાગૃતિ પ્રસરાવી હતી.
આ અવસરે સૌરાષ્ટ્ર સમાચારના ડેપ્યુટી એડિટર તારક શાહ, ડૉ.તેજસ દોશી, સંસ્થાના પ્રિ.ચક્રપાણી,રીના ગાંગલી વિ. ઉપસ્થિત રહ્યાં હતા. આ રેલી સિલ્વર બેલ્સ સ્કૂલથી વિરાણીચોક થઈને લખુભા હોલ, રામમંત્ર સ્કૂલ, સંસ્કાર મંડળ, કોલેજ સર્કલ, પાણીની ટાંકી થઈને શાળાએ પરત ફરી હતી. જેમાં શાળાના ધો.૫થી૭ અને ધો.૮,૯ અને ૧૧ના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.