ગુજરાત શાળા સંચાલક મંડળ સંકલન સમિતિના આદેશ અનુસાર ભાવનગર શહેર-જિલ્લા ગ્રામ્ય શાળા સંચાલક મંડળ અણઉકેલ પ્રશ્નો અંગે તા.૨૬ ઓગસ્ટને ગુરૂવારે સવારે ૧૧ કલાકે કલેક્ટર કચેરી ખાતે આવેદન આપશે અને ત્યારબાદ બપોરે ૧૨થી સાંજના ૪ વાગ્યા
સુધી ધરણાનો કાર્યક્રમ યોજાશે.
જેમાં શહેર અને જિલ્લાના શાળા સંચાલકો જોડાશે.ગુજરાતના માધ્યમિક શિક્ષણમાં વિવાદ અને અવિશ્વસનિયતાનું વાતાવરણ ઊભું થાય તેવા બિનજરૂરી નિર્ણયો લેવાઈ રહ્યાં છે. ત્યારે શાળા સંચાલક મહામંડળો સરકાર સાથે હકારાત્મક અભિગમ સાથે સંવાદ માટે આગળ વધ્યા છે.
આ રજુઆતમાં જણાવાયું છે કે હાઈસ્કૂલોમાં કર્મચારીઓની ભરતી નવેમ્બર-૨૦૦૯થી બંધ છે. સરકારે શિક્ષણ સુધારવા ૧૦,૦૦૦ વિદ્યા સહાયકોની ભરતી કરી છે ત્યારે કર્મચારીઓની ભરતી કરવી પણ જરૂરી છે.
જુન,૧૯૯૯માં નવી ગ્રાન્ટની નીતિ અમલમાં આવી તે વખતે વર્ગ સંખ્યાના આધારે ગ્રાન્ટની નીતિ ઘડી દર પાંચ વર્ષે તેની સમીક્ષા કરવાનો નિર્ણય કરાયો હતો. હવે ૧૧ વર્ષ પૂરા થયા છે ત્યારે શાળા નિભાવ ગ્રાન્ટ વધારવા રજુઆત કરી છે. બાળકોના આરોગ્ય અને તંદુરસ્તી માટે ૪૦૦ ચો.ફૂટના વર્ગખંડમાં ૪૫ વિદ્યાર્થીઓ બેસે તેવું સ્વીકારાયુ હોવા છતાં શા માટે ૬૦ની સંખ્યા કરી તે સમજાતું નથી તેમ મંડળે જણાવ્યું છે.
આ ઉપરાંત જુન, ૨૦૧૦થી ધો.૮ ઉચ્ચ પ્રાથ. શિક્ષણમાં જતા જે શિક્ષકો ફાજલ થયા છે ત્યારે આ મુદ્દે ત્વરિત સરકારની નીતિ સ્પષ્ટ થાય તે જરૂરી છે.
સમગ્ર રાજ્યમાં લડતને વ્યાપક સમર્થન
ભાવનગર શહેર-જિલ્લા અંગે માહિતી આપતા શહેર-જિલ્લા શાળા સંચાલક મંડળના મહામંત્રી કે.એ. બુટાણીએ જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લામાં ૧૩૦ ગ્રાન્ટેડ શાળા ઉપરાંત ૧૦૦ નોનગ્રાન્ટેડ શાળાના સંચાલક મંડળનું પણ આ લડતને સમર્થન છે. ગુજરાતમાં અંદાજે આઠ હજાર ગ્રાન્ટેડ અને ચારેક હજાર નોન ગ્રાન્ટેડ શાળાઓ આ લડતમાં છે.