શિપ બ્રેકિંગ યાર્ડમાં એક સપ્તાહમાં છ શિપબ્રેકરો પાસેથી સ્ક્રેપનો માલ લઈ થયેલી ઠગાઈ
બે દલાલ અને એક કોન્સ્ટેબલની અટક : શાહીન સ્ટીલના માલિકો ફરાર થઈ ગયા
આ પ્રકરણમાં શાહીન સ્ટીલનો ભાગીદાર નિરવ પટેલ ૮૦ લાખ લઈ ફરાર
ભાવનગરના અલંગ શીપબ્રેકીગ યાર્ડમાંથી છેલ્લા એક સપ્તાહમાં જુદા જુદા છ શીપબ્રેકરો પાસેથી સ્ક્રેપનો માલ લઈ પૂર્વયોજીત કાવત્રુ કરી અંદાજે R બે કરોડ જેવી ઠગાઈ કરવા બદલ અલંગના બે વેપારી, બે દલાલ અને એક પોલીસ કોન્સ્ટેબલ વિરૂદ્ધ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થયેલ છે. પોલીસે આ બનાવમાં બે દલાલ અને એક કોન્સ્ટેબલની અટક કરી નાસી છુટેલા બન્ને વેપારીઓને શોધવા તજવીજ હાથ ધરી છે.
આ અંગે મળતી વિગત મુજબ શાહીન સ્ટીલ નામની ફર્મ ધરાવતા સલીમ ખાદીમભાઈ જેમાણી (રે.જમનાકુંડ ભાવનગર) અને નિરવ પટેલ (ભાવનગર) દ્વારા અલંગના બે બ્રોકરોને વચ્ચે રાખી જુદા જુદા શીપબ્રેકરો પાસેથી ડિસેમ્બર મહિનામાં માલ લીધો હતો અને આ માલનું પાંચ દિવસમાં પેમેન્ટ ચુકવી એક વિશ્વાસ ઊભો કર્યો હતો. ત્યારબાદ તા.૧૮-૧-૧૨થી ૨-૨-૧૨ સુધીમાં જુદાજુદા અનેક શિપબ્રેકરો પાસેથી દલાલને માધ્યમ બનાવી શાહીન સ્ટીલ દ્વારા માલની ખરીદી કરવામાં આવી હતી અને તેના હિસાબ પેટે ચેક પણ આપવામાં આવ્યા હતા.
આ દરમિયાન શાહીન સ્ટીલનો ભાગીદાર નિરવ પટેલ અંદાજે ૮૦ લાખ રૂપિયા લઈ ફરાર થઈ જતા શીપબ્રેકરોને આપેલા ચેક પરત થયા હતા. આ અંગે શિપબ્રેકરોએ ઉઘરાણી કરતા ભાવનગરની એલસીબી શાળામાં ફરજ બજાવતા એહમદશા પઠાણ નામના પોલીસ કોન્સ્ટેબલે શીપ બ્રેકરોને ધમકાવ્યા હતા.
આ પ્રશ્ને આજે શિપબ્રેકરો જીલ્લા પોલીસ વડા ચંદ્રશેખરને મળ્યા હતા અને તેમની સૂચના મુજબ એ ડિવીઝન પોલીસ મથકમાં મોડી સાંજે ફરિયાદો દાખલ કરવાનું શરૂ થયેલ છે. ઘટનાની ગંભીરતા સમજી એસ.પી. ચંદ્રશેખર પણ એ. ડીવીઝન પોલીસ મથકે દોડી આવ્યા હતા અને આ બનાવમાં સંડોવાયેલા બન્ને બ્રોકરો તેમજ પોલીસ કોન્સ્ટેબલ અહેમદશા પઠાણની અટક કરી નાસી છુટેલા શાહિન સ્ટીલના માલીકોને શોધવા માટે તજવીજ હાથ ધરી છે.
આજે એ ડિવીઝન પોલીસ મથકે શિપબ્રેકરોના ટોળા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. અલંગથી સ્ક્રેપનો ધંધો દેશભરમાં થતો હોવાથી આવા છેતરિંપડીના બનાવે શીપબ્રેકરોમાં હલચલ મચાવી દીધી છે.
વ્યાપક ફરિયાદો થતાં એલસીબી ને એક-બે દિવસમાં વિખેરી નખાશે
અલંગ શીપયાર્ડના શીપબ્રેકરો સાથે થયેલ કરોડો રૂપિયાની છેતરપિંડી અને ઠગાઈમાં ભાવનગર પોલીસના લોકલ ક્રાઈમ બ્રાંચનો જ કર્મચારી અહેમદખાન રસુલખાન પઠાણ સંડોવાયેલ હોવાથી પોલીસે તેની ધરપકડ કરી આગવી પદ્ધતિએ પૂછતાછ શરૂ કરી છે. આ ઉપરાંત આ બનાવ સંદર્ભે અલંગના પી.એસ.આઈ. અને ભાવનગર એલ.સી.બી.નાં પી.આઈ. અંગે પણ શીપબ્રેકરોએ એસ.પી.ચંદ્રશેખર અને ડી.આઈ.જી. શ્રીમાળી સમક્ષ ફરીયાદ કરી હોવાનું જાણવા મળે છે. આમ એલ.સી.બી. પોલીસ સામેની કેટલીક વ્યાપક ફરિયાદો બાદ એલ.સી.બી.બ્રાંચ જ વિખેરી નાખવા માટે પણ માંગણી થતા આ અંગે જિલ્લા પોલીસ વડા દ્વારા એકાદ બે દિવસમાં જ પગલા ભરાઈ તેવી શક્યતા છે.
અલંગમાં નિમણુંક મેળવવા પોલીસમાં બોલાતા ઊંચા ભાવો
અલંગ શિપયાર્ડમાં કરોડોનો આર્થિક વહિવટ થતો હોવાથી અલંગના પી.એસ.આઈ.ની પોસ્ટ મલાઈવાળી ગણાય છે એટલું જ નહીં પણ અલંગ પી.એસ.આઈ. અને અન્ય પોલીસોની નિમણુંક માટે ઊંચા ભાવ બોલાતા હોવાની પણ ચર્ચા છે.
પોણો ડઝનથી વધુ શિપબ્રેકરો સાથે થયેલી છેતરપિંડી
અલંગના નીચે મુજબના શિપબ્રેકરો સથ્થે શાહીન સ્ટીલદ્વારા છેતરપીંડી થઈ છે. જેમાંથી બે પોલીસ ફરિયાદ થઈ છે જ્યારે અન્ય ફરિયાદો આવતીકાલે થનાર છે.
- રામક્રિષ્ના હંસરાજ જૈન (ખુશ્બુ ઈન્ડીયા પ્રા.લી.) ૨૨.૮૮૦ ટન માલ
- હરેશ ગજેન્દ્ર પરમાર (મહાદેવ શિપબ્રેકીગ પ્લોટ નં.૧૩૪) ૨૧.૧૦૦ ટન માલ અંદાજે રૂ.૭,૧૩,૩૯૧
- અનિલકુમાર ગોયલ(જય બજરંગી શિપબ્રેકર્સ પ્રા.લી.) ચાર ટ્રક માલ અંદાજે રૂ.૨૦,૬૮, ૬૮૬.
આ ઉપરાંત અડધો ડઝનથી વધારે શિપબ્રેકરો પણ ફરિયાદ કરનાર છે. અંદાજે બે કરોડથી વધુ રકમની છેતરિંપડી થયેલ છે.