લખતર તાલુકામાં મામલતદાર કચેરી દ્વારા શિક્ષકોને રેશનકાર્ડની કામગીરી બજાવવાનો આદેશ કરાયો હતો. પરંતુ લખતર તાલુકાના પ્રાથમિક શાળાના શિક્ષકોએ આ કામગીરી નહીં કરવા અને આદેશ રદ કરવા આવેદનપત્ર આપતા ચકચાર ફેલાઇ છે.
લખતર તાલુકામાં લખતર મામલતદાર દ્વારા નવા રેશન કાર્ડની કામગીરી બજાવવા લખતર તાલુકાના પ્રાથમિક શાળાના શિક્ષકોને આદેશ આપ્યો હતો. આથી રોષે ભરાયેલા શિક્ષકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. શિક્ષક સંઘના પ્રમુખ મણીભાઈ ગટેશણિયા અને અન્ય શિક્ષકો આ રેશનકાર્ડની કામગીરી ન બજાવવાનો નિર્ણય લેતા જણાવ્યું હતું કે અમારે સ્કૂલો ખૂલી ગઇ છે તથા વસ્તી ગણતરી અને મતદાર યાદીની કામગીરી કરી છે ત્યારે આ નવી કામગીરીથી શિક્ષણ પર અસર થાય તેમ છે.
આથી અમોએ લખતર મામલતદારને તેમણે આપેલા આદેશ રદ કરવામાં આવે તેવી માગં સાથે આવેનદપત્ર આપ્યું છે. જો આદેશ રદ ન થાય તો અમો આંદોલન કરીશું. આ અંગે લખતર મામલતદારે જણાવ્યું કે, શિક્ષકોએ આવેદનપત્ર આપ્યું છે જે અંગે નિર્ણય કરાશે.