યુવક કોંગ્રેસની યુવા જાગરણ યાત્રાનું આગામી ૨૨મી સપ્ટેમ્બરના રોજ ભાવનગરમાં થનાર સમાપન પ્રસંગે રાષ્ટ્રીય કોંગ્રેસના મહામત્રી રાહુલ ગાંધીની ઉપસ્થિતિની શક્યતા સાથે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
પ્રદેશ યુવક કોંગ્રેસ દ્વારા યુવા જાગરણ યાત્રા બિલાડથી શરૂ થઈ છે. જે સમગ્ર રાજ્યમાં ફરી ૧૨૫ દિવસે ૧૭૨૫ કિ.મી. પુરા કરી ભાવનગર શહેરમાં આગામી ૨૨મી સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થશે. આજ સુધીમાં ૧૪૦૦ કિ.મી. યાત્રા પૂરી થઈ છે. યુવા જાગરણ યાત્રા ભાવનગર જિલ્લામાં આગામી ૧૭મી સપ્ટેમ્બરના રોજ પ્રવેશ કરશે અને જિલ્લા તાલુકા મથકોએ ફરતી-ફરતી ભાવનગર શહેરમાં ૨૨મીએ સમાપન થશે.
યુવા જાગરણ યાત્રાનું સમાપન સમારોહનું ભવ્ય આયોજન ભાવનગર જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે. અને યાત્રાના સમાપન સમારોહમાં રાષ્ટ્રીય કોંગ્રેસ મહામંત્રી રાહુલ ગાંધી ભાવનગરમાં આવવાની શક્યતા સેવાઈ રહી છે. જે માટે આજે પ્રદેશ યુવક કોંગ્રેસના અધ્યક્ષ ઈન્દ્રવિજયસિંહ ગોહિલે પણ ભાવનગર આવી જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ દિગ્વિજય ગોહિલ અને હોદ્દેદારો સાથે બેઠક યોજી તૈયારી શરૂ કરી હતી. રાહુલગાંધી ભાવનગર આવવાની શક્યતાને પ્રદેશ અધ્યક્ષ ઈન્દ્રવિજય સિંહ ગોહિલે સમર્થન આપ્યું હતું.