એસ.ટી.એ મોટા પ્રમાણમાં બસો ખેચી લેતાં તહેવારમાં મુસાફરો રઝળ્યા.
રાજ્ય સરકારે ગરીબોના કલ્યાણ માટે મેળાઓ યોજી ચૂંટણી માટે તૈયારી કરી લીધી છે,આ મેળાઓને લીધેગરીબોનું કલ્યાણ થશે કે નહીં તે તો ભગવાન જાણે પરંતુ ખાનગી વાહનચાલકોનું કલ્યાણ તો થઇ જ ગયું છે કારણ કે એસ ટી બસોના રૂટ મોટાં પ્રમાણમાં રદ થવાથી લોકોએ જે મળે તે વાહનનો આશ્રય લઇને પોતાની મુસાફરી કરવી પડી હતી.તહેવાર હોવાથી લોકોને વિશેષ મુશ્કેલી પડી હતી.
કોઇ પણ શહેરના બસ સ્ટેન્ડ પર કે તેનાથી થોડે જ દૂર ખાનગી વાહનોનું એક સમાંતર બસ સસ્ટેન્ડ હોય છે જ્યાંથી મોટા ભાગે જીપ, મિનબિસ વગેરે વાહનો ઉપડે છે અને તેનું પરિવહન તથા તેમાં જે સંખ્યામાં લોકો બેસે છે તે બધું સંપૂર્ણ ગેરકાયદે હોય છે પરંતુ આ વર્ષે ન છુટકે અનેક લોકોએ આવા વાહનોનો આશરો લેવા પડ્યો હતો. કારણ કે એસ.ટી.ની બસો તો ક્યારે કેટલી કેન્સલ થાય તે જ નક્કી નહોતું.
કોઇ પણ મુસાફર બસ સ્ટેન્ડ પર જાય અને બસની રાહ જોતા હોય ત્યાં અચાનક તેમને જાણ થાય કે બસ તો કેન્સલ છે. મોટાભાગની બસો ગરીબ કલ્યાણ મેળામાં લઇ લેવાઇ હતી. ખાસ કરીને કચ્છ જિલ્લામાંથી અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા તરફ જતી બસોમાં આવું બન્યું હતું. સામાન્ય રીતે હવે એસ.ટી.બસમાં લોકો મુસાફરી કરવાનું ટાળે છે તેવી છાપ છે પરંતુ કેટલાક રૂટ જ એવા છે જ્યાં પ્રાઇવેટ બસો ઓછી છે અને જે છે તેની ગુણવત્તા એસ.ટી.ની બસો કરતાં પણ નબળી છે.
આ સ્થિતિમાં લોકો માટે એસ.ટી. મહત્વનો સ્ત્રોત છે પરંતુ મહિનાઓથી એસ.ટી.ની બસોનો ઉપયોગ ગરીબ કલ્યાણ મેળામાં ‘લાભાર્થીઓ’ને લેવા-મુકવા જ થઇ રહ્યો છે. બસના રૂટ કેન્સલ થતાં ખાસ કરીને મહિલાઓ અને બાળકોએ અન્ય બસોમાં કાં તો ધક્કામુક્કીમાં જવું પડી રહ્યું છે.
બેસવાની જગ્યા મળતી નથી કે પછી પ્રાઇવેટ વાહનોમાં જવું પડે છે. અને આ પ્રાઇવેટ બસો કે મિનિબસ ક્યારેય સમયસર ઉપડતી નથી, જીપમાં પણ મુસાફરો પૂરી સંખ્યામાં હોય ત્યારે જ તે ઉપડે છે જો કે આ અવ્યવસ્થા છતાં ગરીબ કલ્યાણ મેળો હોય કે પછી મહિલા સંમેલન એસ.ટી.ની બસ લઇ જ લેવાય છે સામાન્ય જનતા માટેની આ સેવા પણ હવે સરકારના પ્રચાર માટે ઉપયોગમાં લેવાઇ રહી છે.