૧૭ વોર્ડમાં ૫૧ નગરસેવકો માટેની ચૂંટણીનું ૧૨મી ઓક્ટોબરે પરિણામ જાહેર થશે
ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીની અટકળોનો અંત આવતા ભાવનગર સહિત રાજ્યની છ મહાનગરપાલિકાની આગામી ૧૦મી ઓક્ટોબરના રોજ ચૂંટણી આજે જાહેર થઈ છે અને બપોરે ૩ કલાકથી જ આચારસંહિતા લાગુ પાડવામાં આવતા રાજકીય પક્ષોમાં ઉમેદવારો માટે દોડાદોડ શરૂ થઈ ગઈ છે.
ભાવનગર મહાનગરપાલિકાના ૧૭ વોર્ડમાં ૫૧ નગરસેવકો છે. હાલમાં ભાજપ શાસન પર છે અને ૩૯ ભાજપના અને ૧૨ કોંગ્રેસના નગરસેવકો છે. છેલ્લા ઘણા સમયથી મહાનગરપાલિકાની ચૂંટણી માટે રાજકીય પક્ષો અને તંત્રવાહકો તૈયારીમાં લાગી ગયા હતા અને ચૂંટણીની તારીખ જાહેર થવાની રાહ જોતા હતા. જેનો આજે અંત આવતા ભાવનગર સહિત મહાનગરપાલિકાની આગામી ૧૦મી ઓક્ટોબરે ચૂંટણી યોજવાનું ચૂંટણી પંચે જાહેર કરતા અટકળોના અંત સાથે ચૂંટણી માટે દોડાદોડીનો પ્રારંભ થયો હતો.
રાજ્ય ચૂંટણી પંચના સચિવ પી.એસ. શાહ દ્વારા જાહેર કર્યા મુજબ ચૂંટણી અંગેનું જાહેરનામુ આગામી ૨૦મી સપ્ટેમ્બરના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. જ્યારે ઉમેદવારી પત્ર ૨૫મી સપ્ટેમ્બર સુધી સ્વીકારવામાં આવશે. અને તા.૨૭-૯ના રોજ ઉમેદવારીપત્રોની ચકાસણી કરાશે તેમજ તા.૨૮-૯ સુધી ઉમેદવારી પરત ખેંચી શકાશે.
૧૦મી ઓક્ટોબરના રોજ સવારે ૮થી સાંજે ૫ કલાક સુધી મતદાન કરવામાં આવશે અને ૧૨મી ઓક્ટોબરે મતગણતરી કરી પરિણામ જાહેર કરવામાં આવશે.
ચૂંટણી જાહેર થતા તમામ રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારની પસંદગી માટે ચોગઠા ગોઠવવા શરૂ થઈ ગયા છે. ભાજપા દ્વારા ચૂંટણી લડવા ઈચ્છુકોના ચાર દિવસથી ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ છે જ્યારે કોંગ્રેસ આગામી દિવસોમાં ફોર્મની કાર્યવાહી કરનાર હોવાનું જાણવા મળેલ છે.
ચૂંટણી જાહેર થતા કલેક્ટરે તાકીદની બેઠક બોલાવી
ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થતા જિલ્લા કલેક્ટર ઝાલાવાડીયાએ ચૂંટણી અધિકારી, કમિશનર, ડે.કમિશનર સહિત ચૂંટણી સંબંધિત કામગીરી સંભાળતા તમામ અધિકારી, કર્મચારીઓની તાકીદની બેઠક બોલાવી ચૂંટણી આચાર સંહિતા અને વ્યવસ્થા સંદર્ભે જરૂરી સૂચનાઓ આપી હતી.