શિયાળાની કડકડતી ઠંડીમાં વહેલી સવારે યોજાયેલી વઢવાણ નગરપાલિકાની સામાન્ય સભામાં ચેરમેનોની વરણી અને અમુક એજન્ડા બાબતે ભારે બોલાચાલી થતાં સદસ્યો બેઠક છોડી બહાર નીકળી જતાં દોડધામ મચી હતી. અંતે ભાજપ મોવડી મંડળે સદસ્યો સાથે સમજાવટ કરીને મામલો થાળે પાડ્યો હતો. જ્યારે ચેરમેનોની વરણીમાં બાબતે કેટલાંક સદસ્યો ભારે રોષ વ્યક્ત કરી વિધાનસભાની ચૂંટણીમાં ભારે તડાકા ભડાકાની ચીમકી આપતા ગરમાવો ફેલાયો છે.
વઢવાણ નગરપાલિકામાં સવા વર્ષથી વિકાસના કામો બાબતે સુધરાઇ સદસ્યોમાં આંતરિક રોષ ઊભો થયો છે ત્યારે વઢવાણ નગરપાલિકાની સામાન્ય સભા શુક્રવારે વહેલી સવારે કડકડતી ઠંડીમાં યોજાઇ હતી.
આ સામાન્ય સભામાં ચેરમેનોની વરણી અને એજન્ડા બાબતે પાલિકા પ્રમુખ ભવાનસિંહ ટાંક અને દંડક નિલેશભાઈ જોષી વચ્ચે તું-તું મેં-મેં થઇ હતી. ત્યારબાદ મહિલા સદસ્યોએ પોતાનો રોષ ઠાલવતા મામલો બિચકાયો હતો. આ દરમિયાન પાલિકાના સદસ્યો સામાન્ય સભા છોડીને બહાર નીકળી ગયા હતાં.
આથી ભાજપ મોવડી મંડળમાં દોડધામ મચી ગઇ હતી. મામલો છેક પ્રદેશ કક્ષાએ પહોંચ્યો હતો. જ્યાંથી આદેશ છુટતા અંતે ઘીના ઠામમાં ઘી પાડી દીધું હતું. ત્યારબાદ મોવડી મંડળની દખલગીરી અને ખાતરીથી સદસ્યોએ ફરી સામાન્ય સભામાં હાજરી આપતા ભારે રાજકીય ચકચાર ફેલાઇ હતી. વઢવાણ નગરપાલિકાની સામાન્ય સભામાં વિવિધ ચેરમેનોની વરણીમાં પણ અસંતોષનો જવાળામુખી ફાટ્યો હતો. આથી પાલિકાના સદસ્યોએ જાહેરમાં જ બળાપો કાઢીને ભાજપ સંગઠને ચેરમેનોની વરણીમાં કાચું કાપ્યાનું જણાવ્યું હતું.
આ ઉપરાંત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષને ખબર પડશે તેમ સંગઠનોના હોદ્દેદારોને જાહેરમાં કહેતા સોપો પડી ગયો હતો. આ અંગે પાલિકા પ્રમુખ ભવાનસિંહ ટાંકે જણાવ્યું કે,આ સામાન્ય સભામાં પક્ષના આદેશ પ્રમાણે જ કાર્યવાહી હાથ ધરાઇ છે.પરંતુ અમુક લોકો વઢવાણ શહેરના વિકાસનાં કામમાં રોડા નાખી રહ્યાં છે. આથી આવા તત્વોને લોકોએ ઓળખી લેવાની જરૂર છે.
પ્રમુખે બોર્ડમાં માફી માગવા બાબતે વિવાદ -
દંડક નિલેશભાઈ જોષીના જણાવ્યાનુસાર પ્રમુખે બોર્ડમાં તેમને તુકારો દઇને જોઇ લેવાની ધમકી આપી હતી.આથી તેઓ અન્ય સદસ્યોની સાથે બોર્ડની કાર્યવાહી પડતી મૂકી બહાર નીકળી ગયા હતાં અને પ્રમુખના અયોગ્ય વર્તનની પક્ષમાં જાણ કરી હતી. આથી સ્થાનિક હોદ્દેદારો અને પક્ષની સૂચનાથી પ્રમુખે બોર્ડમાં મારી માફી માગી હતી. ત્યારબાદ બોર્ડની કાર્યવાહી ચાલુ કરી હતી. જ્યારે પ્રમુખ ભવાનસિંહ ટાંકે માફી ન માંગી હોવાનું કહી સમગ્ર ઘટનાનું પારિવારિક મામલો ગણાવ્યો હતો. આમ પ્રમુખે માફી માગી કે ન માંગી તે અંગે વિવાદ સર્જાયો હતો.
ગઢ વિસ્તારને પ્રતિનિધિત્વ ન મળતા ઊહાપોહ -
વઢવાણ નગરપાલિકાના ઐતિહાસિક ગઢ વિસ્તારના પાંચ વોર્ડમાંથી એકપણને પ્રતિનિધિત્વ ન મળતા ભારે ઊહાપોહ જાગ્યો છે. વોર્ડ નં-૭માં ૩૦ વર્ષ બાદ પ્રથમવાર ભાજપની પેનલ જીતવા છતાં કોઇને પ્રતિનિધિત્વ પ્રાપ્ત થયું ન હતું. વઢવાણ ગઢ વિસ્તાર ભાજપનો ગઢ હોવા છતાં તેને અન્યાય કરાતા વોર્ડ નં. ૫ થી ૧૨ના ૧૦ થી વધુ સદસ્યોએ પોતાનો રોષ સંગઠનના હોદ્દેદારો સામે જાહેરમાં વ્યક્ત કરતા ગરમાવો ફેલાયો હતો.
ચેરમેનોની વરણી -
વઢવાણ નગરપાલિકાની સામાન્ય સભામાંભારે વિવાદ વચ્ચે ચેરમેનોની વરણી થઇ હતી. જેમાં કારોબારી ચેરમેન પદે ગોરધનભાઈ વરમોરા, ટાઉન પ્લાનિંગ સાધનાબેન પંડયા, બાંધકામ ધનજીભાઈ દલવાડી, સેનિટેશન રાકેશભાઈ રાઠોડ, બગીચાખાતુ વિક્રમસિંહ જાદવ, વોટરવર્કસ ભાવનાબેન ચંદ્રસિંહના ફાળે ગયા હતાં.
એજન્ડાઓ રદ અથવા પેન્ડિંગ રાખવા પડશે -
વઢવાણ નગરપાલિકાની સામાન્ય સભામાં ચેરમેનોની વરણી સમયે જ સદસ્યોમાં રોષ ઉભા થયો હતો. ત્યારે પાલિકાની સભામાં નવી મોટરકાર, જકાતનાકાની સોંપણી સહિતના પાંચ ઠરાવ બાબતે ગંભીરસિંહ રાઠોડ સહિતના સભ્યોએ ભારે વિરોધ કર્યો હતો. આથી આ એજન્ડાઓ પેન્ડિંગ અથવા રદ કરવાની નોબત આવી છે ત્યારે પાલિકાની નોંધપોથીમાં શું લખાય છે તેના પર સદસ્યોની મીટ મંડાઇ છે.