રાજકીય માથાં અને ઉચ્ચ પોલીસ અધિકારીની સીધી નજર હેઠળ હપ્તા સિસ્ટમથી દારૂની હેરાફેરીનું તોસ્તાન નેટવર્ક.
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રોજ હજારો બોટલ પીવાય છે અને પોલીસ ઊંધા માથે થઇ જશે તો પણ દારૂ પીવાશે જ. કારણકે, રાજ્યમાં દારૂ ઠલવતા સપ્લાયરો પોલીસતંત્રના ઉપરથી નીચે સુધીના અધિકારીઓને મોં માગ્યા હપ્તા ચૂકવતા હોવાથી પોલીસ આ દૂષણને ડામવાના બદલે આંખ આડા કાન કરે છે.
તાજેતારમાં જૂનાગઢ પોલીસે મોસ્ટ વોન્ટેડ સપ્લાયર નાગદાન ગઢવીને પકડયો છે. તેના લેપટોપમાંથી બહાર આવેલી માહિતી મુજબ તેણે છ માસમાં ૧૮ કરોડનો દારૂ સૌરાષ્ટ્રમાં ઠાલવ્યો હતો. તેમજ રાજ્યના ટોચના દસ અધિકારીથી લઇ કુલ ૨૦૦ પોલીસ ઓફિસરની યાદી પણ નીકળી હોવાનું કહેવાય છે. નાગદાન જેવા અડધો ડઝન સપ્લાયરો હજી સક્રિય છે.
રાજ્યમાં દારૂના કન્ટેઇનર મગાવ્યા પછી બુટલેગરોને કટિંગ (ડિસ્ટ્રિબ્યુશન) કઇ રીતે થાય છે, તેનું જબરદસ્ત નેટવર્ક કઇ રીતે ચાલે છે તેમજ મોટા બુટલેગરો અને સ્થાનિક પેટા બુટલેગરોની યાદી સાથેની તેની રસપ્રદ માહિતી અહિં પ્રસ્તુત છે.
રૂ.૧૨પની બોટલ પ્યાસી સુધી પહોંચતા પ૦૦ની થઇ જાય છે –
મુખ્યત્વે ચંદીગઢ, હરિયાણા, પંજાબ, મહારાષ્ટ્ર અને ગોવા અને આબુમાંથી જોગિન્દર ઉર્ફે શર્મા, સંગયસિંઘ, બાબુ પંડિત, મહેશ ઠક્કર, કૈલાસ રાઠી મારફત ‘બફેલો મીટ’ના ઓઢા હેઠળ એ.સી. કન્ટેઇનરમાં વિદેશી દારૂ ગુજરાતમાં ઠલવાય છે. એક પેટી(૧૨બોટલ) R ૧૧૦૦ થી ૧૩૦૦માં આવે છે. હોલસેલમાં R ૧૮૦૦થી ૨૦૦૦ લેખે માલ ખરીદતા સપ્લાયરો સ્થાનિક બુટલેગરોને ગામના પાદર સુધી રૂ.૨૮૦૦થી ૩૦૦૦ માં પહોંચતી કરે છે. સ્થાનિક બુટલેગરો એક પેટી ૩૮૦૦થી ૪૦૦૦માં અને છુટક બોટલ ૪૦૦ થી પ૦૦ માં વેચીને તગડી કમાણી કરે છે.
હાઇ-વે પર કટિંગ, અને ચોરાઉ કારનો ઉપયોગ -
પહેલાં જે તે શહેરની અંદર માલ ભરેલી ગાડી પહોંચતી કરવામાં આવતી હતી. જોકે હવે સ્થાનિક બુટલેગરને હાઇ-વે પર માલ ભરેલી કારની ડિલિવરી આપી દેવાય છે. ડ્રાઇવરને જે તે શહેરને જોડતા હાઇ-વે પર પહોંચીને સપ્લાયરને ફોન કરવાથી માલ કોને આપવો તેની સૂચના આપવામાં આવે છે. માલ કોણે મગાવ્યો હતો તે ડ્રાઇવરને ક્યારેય જાણ થવા દેતા નથી. તેમજ આ ગોરખધંધા માટે મોટાભાગે ચોરાઉ કાર અથવા તો બોગસ ડોકયુમેન્ટના આધારે ડાઉન પેમેન્ટથી ફાઇનાન્સમાં ખરીદેલી કારનો ઉપયોગ કરવામાં આવે છે. સીમ કાર્ડ પણ બોગસ નામે હોય છે જેથી કાર કે મોબાઇલ કબજે થાય તો પણ પોલીસ મૂળ સુધી પહોંચી ન શકે.
કારમાં હેરાફેરી, પોલીસને કચડી મારવાની છુટ!
પોલીસની આંખમાં ધૂળ નાખવા હવે લકઝરિયસ કારનો ઉપયોગ કરવામાં આવે છે. પ૦ પેટી હોય તો રાઇનો, ટવેરા અને ઇનોવા તેમજ ૩૦ પેટી હોય તો વનૉ, સ્વીફ્ટ, આઇ-૧૦, વેગનઆર, અલ્ટો જેવી કારનો ઉપયોગ કરવામાં આવે છે. હાઇ વે પર કે બાઉન્ડ્રી પર નાકાબંધી જણાય તો પોલીસને કચડીને ભાગી જવાની ડ્રાઇવરને સ્પષ્ટ સૂચના આપવામાં આવે છે. અને આવા ડ્રાઇવરને પુરસ્કાર આપવામાં આવે છે!
દારૂનો જથ્થો ભરેલી કાર જે તે શહેરના બુટલેગરને સોંપવા (કટિંગ) ની કામગીરી રાતે ૯:૩૦ થી ૧૧: ૩૦ અને પરોઢિયે ૩: ૩૦ થી પ: ૩૦ના સમયગાળામાં કરવામાં આવે છે.
ક્રિસમસમાં ભાવ વધારી દેવાયા -
તાજેતરમાં રાજકોટની ભાગોળે દારૂની ૭,૦૨૦ બોટલ ભરેલા ટ્રકને અકસ્માત નડતા પોલીસને બગાસંુ ખાતા ‘દારૂ’ મળી ગયો હતો. આ બહાને ક્રિસમસમાં કમાઇ લેવા માટે પેટીએ પ૦૦ અને છુટક બોટલમાં પ૦ થી ૧૦૦ રૂપિયાનો વધારો કરી દેવાયો છે.