ઝાલાવાડને હરિયાળું બનાવવા માટે વન વિભાગે કમર કસી છે. વન વિભાગની નર્સરીઓમાં રોપાઓનો ઉછેર ઝડપથી થાય તે માટે ઉછેર કેન્દ્રો બનાવાયા છે. પરંતુ અનેક ઉછેર કેન્દ્રો બિસમાર હોવાથી રોપાઓ સૂકાઇ રહ્યા છે ત્યારે આ ઉછેર કેન્દ્રોનું નવીનીકરણ કરવાની માગ ઊઠી છે.
સુરેન્દ્રનગર જિલ્લાની ૪૪,૯,૩૨૨ હેકટર જમીન પર ૧૩,૩૫,૫૦૦ રોપાઓનું વાવેતર કરવા માટે વન વિભાગે આયોજન કર્યું છે. આથી જિલ્લાના ૧૦ તાલુકા મથકો પરની નર્સરીઓ ધમધમી ઊઠી છે. આ નર્સરીઓમાં રોપાના ઉછેર માટે લોખંડની પાઇપો ઉભી કરી ઉપર ઝડપથી બાફ પેદા થાય તે માટે ઉછેર કેન્દ્રો બનાવાયા છે.
પરંતુ અનેક નર્સરીઓમાં આ ઉછેર કેન્દ્રો ઉજજડ ભાસી રહ્યા છે. આ રોપા ઉછેર કેન્દ્ર પર કાપડ સહિતની વસ્તુઓ ગુમ જોવા મળે છે. જિલ્લાના ૧૦થી વધુ રોપા ઉછેર કેન્દ્રોની દશા આવી હોવાથી રોપાઓનો ઉછેર ઝડપથી થઇ શકતો નથી. આ ઉપરાંત અનેક રોપાઓ સૂકાઇ જતા ઝાલાવાડને હરિયાળી કરવાની યોજનાને અસર થઇ રહી છે.
આથી વનપ્રેમીઓ દ્વારા આ કેન્દ્રોનું નવીનીકરણ થાય તે અંગે રજૂઆતો કરાઇ છે. આ અંગે વન વિભાગના સૂત્રોએ જણાવ્યું કે, અમુક નર્સરીઓમાં રોપા ઉછેર કેન્દ્રોની રજૂઆતો આવી છે. આથી તપાસ કરીને રોપા ઉછેર કેન્દ્રોને ધમધમતા કરાશે.