- વઢવાણ નારી સંરક્ષણ ગૃહમાંથી યુવતી એક માસ પહેલા જતી રહી છે
સાયલા તાલુકાના કાશીપરામાં રહેતી યુવતીને ઘરે મનમેળ ન આવતા પોલીસ દ્વારા આઠ માસ અગાઉ વઢવાણ નારીકેન્દ્રમાં મૂકવામાં આવી હતી. પરંતુ ત્યાંથી એક માસ અગાઉ આ યુવતી ક્યાંક જતી રહેતા હાલ તેના માતા-પિતા પુત્રીની ભાળ મેળવવા દર દર ભટકી રહ્યા છે.
વઢવાણમાં આવેલા નારી સંરક્ષણ ગૃહમાં અનેક બાળાઓ અને યુવતીઓ વિવિધ કારણોસર રહેતી હોય છે ત્યારે સાયલા તાલુકાના કાશીપરામાં રહેતા ભીખાભાઇ કોળીની પુત્રી હંસાને પરિવાર સાથે મનમેળ ન આવતા તેણે પોલીસમાં આઠ માસ અગાઉ રજૂઆત કરી હતી. આથી પોલીસે યુવતી હંસાની ઇચ્છા મુજબ વઢવાણ નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપી હતી. પરંતુ છેલ્લા એક માસથી નારી સંરક્ષણ ગૃહમાંથી હંસા ક્યાંક ચાલી ગઇ છે. આ અંગેની જાણ હંસાના માતા-પિતાને થતા તેઓએ નારી સંરક્ષણ ગૃહમાં આવી તપાસ કરતા યોગ્ય જવાબ મળ્યો ન હતો.
આથી મહાકાળી ફાઉન્ડેશનના ગીતાબેન નાનક અને શર્મિષ્ટાબેન સહિતના મહિલા આગેવાનોને સાથે રાખી યુવતીના પિતા ભીખાભાઇ કોળીએ નારી સંરક્ષણ ગૃહ અને સમાજ સુરક્ષા વિભાગમા લેખિત રજૂઆત કરી ગુમ થયેલી હંસા અંગેની જાણકારી આપવા જણાવ્યું હતું.આ રજૂઆતમાં જણાવાયા મુજબ નારી સંરક્ષણ ગૃહમાંથી કોઇપણ યુવતીને છૂટી કરાય તો પ્રથમ તેના વાલી અને પોલીસને જાણ કરવી જરૂરી છે. જ્યારે હંસાના કેસમાં આવા પગલાં કેમ લેવાયા નથી.? આથી તાત્કાલિક ધોરણે હંસાબેન ક્યાં છે તેની માહિતી આપવા રજૂઆતના અંતે જણાવાયું છે.
આ અંગે વઢવાણ નારી સંરક્ષણ ગૃહના અધિક્ષક એસ.સી.મણિયારે જણાવ્યું કે, હંસા ભીખાભાઇ કોળી એક માસ અગાઉ નારી સંરક્ષણ ગૃહમાંથી પોતાની મરજીથી ચાલી ગઇ છે. જ્યારે પોલીસને કે વાલીને જાણ કરવાની શરતચૂકથી રહી ગઇ છે. પરંતુ હાલ આ યુવતી તેના બનેવીને ઘેર રતનપર હોવાની માહિતી અમોને મળી છે. અમો શક્ય તેટલા પ્રયાસો કરી હંસાનો તેના પિતા અને પરિવાર સાથે ભેટો કરાવીશું.