ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીનો ભાવ જ્યારે આસમાને પહોંચે છે ત્યારે આમ પ્રજાને રાતા પાણીએ રોવડાવે છે. જ્યારે આ ડુંગળીનો પાક ખેતરમાં લહેરાતો હોય અને તેના ભાવ તળીયે જાય ત્યારે જગતના તાતને રોવાનો વારો આવે છે. આવી જ સ્થિતિ પોરબંદરમાં જિલ્લામાં જોવા મળી છે. હજારો હેકટર જમીનમાં ડુંગળીનું વાવેતર કરાયું છે હવે જ્યારે પાક તૈયાર થઈ ગયો છે ત્યારે તેમના ભાવ તળીયે જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
પોરબંદર જિલ્લામાં આમ તો શિયાળુ, ઉનાળુ અને ચોમાસુ ત્રણેય પાક લેવામાં આવે છે. છેલ્લા ચાર-પાંચ વર્ષથી મેઘરાજાની કૃપા થતા નદી-નાળાઓ છલકાઈ જાય છે. ચોમાસાના સમયમાં નિયમીત વરસાદ થતા ખેડૂતો મગફળીના પાકનું સારૂં એવું ઉત્પાદન કરે છે. મગફળીમાં પણ ખેડૂતોને પોષણક્ષમ ભાવો મેળવવા માટે મથામણ કરવી પડે છે ત્યારે તેમને આ ભાવ માંડ માંડ મળે છે. ચોમાસા બાદ શિયાળુ પાક તરીકે જીરૂ, ધાણા, લસણ, ડુંગળી, ચણા સહિતના રવિ પાકનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે.
પોરબંદર જિલ્લામાં આ વર્ષે ર૦રપ હેકટર જમીનમાં ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું હતું. છેલ્લા ચાર-પાંચ વર્ષથી ડુંગળીના ભાવ બજારમાં સારા મળતા હોવાથી બરડા પંથકના ખેડૂતોએ આ વર્ષે વિપુલ પ્રમાણમાં ડુંગળીનું વાવેતર કર્યું છે. મહેનતને કારણે આ વર્ષે પાક પણ વિપુલ પ્રમાણમાં થયો છે. પરંતુ ખેડૂતો માટે કમનસીબી એ છે કે, આ વર્ષે ડુંગળીના ભાવ તળીયે પહોંચી ગયા છે. બજારમાં ર૦ રૂપિયે મણ ડુંગળી મળે છે તો ખેડૂતોના ભાગે શું આવે ? હાલ ડુંગળીનો પાક તો તૈયાર થઈ ગયો છે, પરંતુ બજારમાં ડુંગળીનો ભાવ નીચો ગયો છે.
બરડા પંથકના ખેડૂતોએ એવું જણાવ્યું હતું કે, ડુંગળીનું બિયારણ મોંઘા ભાવનું ખરીધ્યા બાદ તેની રોપણી કરી અને આ પાકના ઉછેર માટે ખર્ચ કરવો પડે છે. એક મણ ડુંગળી પાછળ ૧૦૦ થી ૧ર૦ જેવો ખર્ચ થાય છે અને હાલ આ ડુંગળીના ભાવ બજારમાં ર૦ થી ૩૦ રૂપિયા જેવો મળે છે. સોના કરતા ઘડામણ મોંઘું જેવો ઘાટ સર્જાયો છે. ખેડૂતો મહેનત કરીને પાક તૈયાર કરે ત્યાં જ કોઈપણ પાક હોય તેનો ભાવ તળીયે પહોંચી જાય છે.
જ્યારે ડુંગળીના ભાવ બજારમાં ભડકે બળતા હોય ત્યારે આમ પ્રજા બુમરાણ પાડે છે અને ખેડૂતોનો પાક જ્યારે તૈયાર થઈ જાય અને ભાવ તળીયે જાય ત્યારે ખેડૂતોની મહેનત પણ તળીયે પહોંચી જાય છે. આથી પોષણક્ષમ ભાવ આપવાની માંગણી ખેડૂતો કરી રહ્યા છે. જો તેમને પોષણક્ષમ ભાવો નહીં મળે તો ગરીબોની કસ્તુરી ગણાતી ડૂંગળી જગતના તાતને પણ રોવડાવશે.