રાજ્ય સરકાર દ્વારા આર.ટી.ઓ.ની કામગીરીમાં પારદિર્શતા લાવવા અને અરજદારોના એડ્રેસ પ્રૂફની ક્રોસ ચકાસણી થઇ શકે તેવા બેવડા હેતુથી લાઇસન્સ અને આર.સી. બુક ઘેર બેઠા સ્પીડ પોસ્ટથી મળી રહે તેવી વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે.
સ્વર્ણિમ આર.ટી.ઓ.ના રૂપકડા નામથી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે અમદાવાદ,સુરત અને રાજકોટમાં સ્પીડ પોસ્ટ સેવા ખુલ્લી મૂકવામાં આવી છે. તેમજ લાઇસન્સ કે આર.સી.બુક અરજદારોને નહીં આપવાનો ફતવો ૨૨ તારીખે જારી કરી દેવાયો હતો. પરંતુ, અંધેર વહીવટ માટે કુખ્યાત રાજકોટ આ.ટી.ઓ.માં મુખ્યમંત્રીની યોજનાનો પહેલે દિવસે જ ઉલાિળયો કરીને એક નાગરિકને હાથો હાથ લાઇસન્સ આપી આરટીઓમાં ચાલતા ભ્રષ્ટ શાસનનો પરચો આપી દીધો છે.
આજ દિવસ સુધી અરજદારોને લાઇસન્સ અને આર.સી.બુક હાથો હાથ આપી દેવાતા હતા. વ્યક્તિની ઓળખ અને રહેણાકના પુરવા તરીકે લાઇસન્સને માન્ય રાખવામાં આવતું હોવાથી ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતા તત્વો દ્વારા બોગસ પુરાવાના આધારે લાઇસન્સ કઢાવી મેળવી લેવાયાના અનેક બનાવ પ્રકાશમાં આવી ચૂક્યા છે. આવા બોગસ લાઇસન્સની નોંધણી ન થઇ શકે તેમજ અરજદારોને પણ કતારમાં કલાકો સુધી ઊભું રહેવું ન પડે તેવા આશયથી રાજ્ય સરકારે ઘેરબેઠા લાઇસન્સ, આર.સી.બુક પહોંચાડવા સ્પીડ પોસ્ટથી વિતરણ વ્યવસ્થા ૨૩ તારીખે મુખ્ય મંત્રીના હસ્તે ખુલ્લી મૂકી છે.
આર.ટી.ઓ.માં લાંચ વિના કોઇ કામ નહીં કરવા ટેવાયેલા ચોક્કસ અધિકારીઓ, કર્મચારીઓને આ સેવાના કારણે ઉપલી આવક એક ઝાટકે બંધ થઇ જશે અને અરજદારોને રાહત થશે તેમ મનાતું હતું. પરંતુ, રાજકોટ આરટીઓ માંથી યોજનાના પ્રથમ દિવસે જ આતિશ વી. જોબનપુત્રાને હાથો હાથ લાઇસન્સ આપીને સરકારની યોજનાનો રીતસર ઉલાળિયો કરી દીધો છે. જવાબદાર અધિકારીએ ટેબલ નીચેથી પૈસા લઇને અનેકને લાઇસન્સ આપ્યાની ચર્ચા છે. પરંતુ, કૌભાંડ બહાર આવી જતા એજન્ટોની મદદથી હાથોહાથ અપાયેલા લાઇસન્સ રાતોરાત પરત મેળવી લેવાયાનું વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું.
લાઇસન્સ નહીં માત્ર ઝેરોક્ષ અપાઇ છે : આર.ટી.ઓ. પટેલનો બચાવ
અરજદારને સ્પીડ પોસ્ટ ના બદલે હાથો હાથ લાઇસન્સ કોણે અને શા માટે આપ્યું? તે અંગે આરટીઓ ડી.આર. પટેલને પૂછતા તેમણે એવો બચાવ રજૂ કર્યો હતો કે, અરજદારને લાઇસન્સ આપવામાં નથી આવ્યું. પરંતુ, અરજદારે ઠોસ દસ્તાવેજ માટે તેની ઓળખ અને રહેણાકના પુરાવા તરીકે લાઇસન્સની માગણી કરી હતી. આથી તેની વિનંતીને ધ્યાને લઇને માત્ર ઝેરોક્ષ કોપી કરવા માટે લાઇસન્સ આપીને પરત લઇ લેવામાં આવ્યું હતું. જોકે, આ કામગીરી પણ તેમની જાણ બહાર મંજૂરી વિના થઇ હોવાની વાત સ્વીકારી હતી.
લાઇસન્સ લઇ જનાર આરટીઓ એજન્ટ છે!
સ્પીડ પોસ્ટ યોજનાની ઐસી તૈસી કરીને પ્રથમ દિવસે જ લાઇસન્સ લઇ જનાર અરજદાર આતશિ જોબનપુત્રા આમ નાગરિક નહીં પણ આરટીઓમાં એજન્ટ હોવાનું કચેરીના સૂત્રોમાંથી જાણવા મ¬યું છે. અને આ એજન્ટે અન્ય ગ્રાહકોના લાઇસન્સ પણ કઢાવી અપાવ્યાની ચર્ચા છે. ભાંડો ફૂટી જતા ગ્રાહકોને લાઇસન્સમાં ભૂલ રહી ગઇ છે તેવી સાચી ખોટી વાતો કરીને લાઇસન્સ હાથવગા કરીને પરત કચેરીમાં જમા કરાવી દીધાની કાનફાડી નાખે તેવી ચર્ચા થઇ રહી છે.