ફાર્મ હાઉસ, વાડી, અંતરિયાળ ગામડામાં આયોજન તૈયાર થયું
પોલીસની ગમે તેટલી કડકાઇ હોય અને દારૂનું ટીપું પણ નહી મળે તેવી વ્યવસ્થા ગોઠવનાર પોલીસને ૩૧ ડિસેમ્બરના રોજ થર્ટી ફર્સ્ટ ઉપર પછડાટ મળે છે અને દારૂની ચુસ્કી લેનાર વર્ગ યેનકેન પ્રકારે ખાનગીમાં ડબલ ભાવ ચુક્વીને દારૂની મોજ માણી લે છે.
ભાવનગર જિલ્લામાં એક ગણત્રી પ્રમાણે ૪૦ હજાર લોકો દારૂના વ્યસની બની ગયા છે. આમા દેશી દારૂ વાળાનો પણ સમાવેશ થાય છે. દારૂના પ્યાસી બનેલા લોકોને થર્ટી ફર્સ્ટનું મહત્વ હોય છે અને મિત્ર વર્તુળને એકઠો કરીને નોનવેજની સાથે જ બાટલીના ઢાંકણા ખોલીને રાજાપાઠમાં આવીને રંગત ઉજવે છે.
થર્ટી ફર્સ્ટ નિમિત્તે શહેરના કેટલાક ફાર્મ્સ હાઉસમાં તો પ્રતિષ્ઠીત લોકો એકઠા થઇને થર્ટી ફર્સ્ટની ચિયર્સ ઉજવે છે જ્યારે અન્ય કેટલાક સ્થળોમાં ખાનગી હોટલ, કેટલીક વાડી તથા અંતરયાળ ગામડામાં તાપણું કરીને ખેતરની સીમમાં દારૂની મહેફીલ ઉજવવા માટે અમુક-તમુક એકઠા થઇને મોજમસ્તી માણે છે.
નશાખોરોને ઝબ્બે કરવા માટે પોલીસ તંત્ર અત્યારથી જ ખુબ જ સક્રીય બન્યું છે અને છેલ્લા એક જ સપ્તાહમાં પોલીસે ૬૦૦ ઉપરાંતની વિદેશી બોટલો કબ્જે કરીને ૩૦ જેટલા બુટલેગરોને પિંજરે પુરેલ છે તેમ છતા દારૂના વ્યવસાયમાં અનેક નવા લોકોનો ઉમેરો થતો હોયને આવા તત્વો લકઝરી બસ, ટ્રક અને રેલવેના ડબ્બામાં દારૂ લાવીને ૪૦ હજાર લોકોને સંતોષ આપી રહ્યાં છે. જો કે આ વખતે થર્ટી ફર્સ્ટના દિવસે રાતના સમયમાં દારૂ પીઇને ખેલ નાખનારાની સંખ્યા ઓછી થાય તેવું સૌ કોઇ નાગરિકો ઇચ્છી રહ્યાં છે.