જગજિતસિંઘના અવાજમાં પેલી ગઝલ તો સાંભળી જ હશે, ‘તેરે આને કી જબ ખબર મહેકે,તેરી ખુશ્બુ સે સારા ઘર મહેકે’ તેમાં આગળ આવે છે, શામ મહેકે તેરે તસવ્વુર સે, શામ કે બાદ ફિર સહર મહેકે’ આ શેર સાંભળવાની તો મજા આવે. પરંતુ જો ઉર્દૂ ન આવડતું હોય તો? તસવ્વુર એટલે શું? સહર એટલે? ગામ? ના તસવ્વુર એટલે ખયાલ-વિચાર અને સહર એટલે સવાર. એમ તો શબ એટલે? મૃતદેહ નહીં પરંતુ રાત.
ઉર્દૂના આવા અનેક શબ્દો ગુજરાતી લિપિમાં તેના મૂળ ગુજરાતી અર્થ સાથે મળે અને તે પણ ગઝલમાંથી જ મળે તેવું સરસ પ્રકાશન રસિકોને મળ્યું છે. અને આ કામ રાજકોટના ઊર્દુવિદ કિસન મહેશ્વરીએ કર્યું છે. સર્વભાષા કવિ સંમેલનમાં તેમણે પઠાણ પણ કર્યું હતું. ઉર્દૂ-હિન્દીના જાણીતા શાયર નવાઝ દેવબંદીની રચનાઓને કિસને ગુજરાતી લિપિમાં અવતારી છે. ૧૦૦થી વધારે ગઝલ,૫૬ મુક્તકો તેમાં છે. દરેક અઘરા શબ્દને નંબર આપી પાનાની નીચે તેના સરળ ગુજરાતી અર્થ પણ અપાયા છે. આધુનિક ઉર્દૂ શાયરીમાં નવાઝ દેવબંદીનું નામ આદરથી લેવાય છે કવિતામાં વ્યક્ત થતા વિચારો અને તેમનું જીવન બન્ને ભિન્ન નથી.
કિસન મહેશ્વરીને પ્રથમ ઉર્દૂ વેબસાઇટ શરૂ કરવાનું શ્રેય મળ્યું છે. ગાલિબના શેરનું ગુજરાતીમાં સંકલન અને આ સ્વાદ તેમણે પુસ્તક દ્વારા કરાવ્યા બાદ આ તેમનું બીજું પુસ્તક છે જેનું વિમોચન મંગળવારે મોરારીબાપુએ કર્યું હતું.