બીપીએમસી એક્ટ અને ૨૦૦૨માં થયેલા ઠરાવને તંત્રવાહકો ઘોળીને પી ગયા
કોર્પોરેશનના શાસકો અને બીપીએમસી એક્ટની ઐસી તૈસી કરી અધિકારીઓને મનફાવે તેમ જુદા-જુદા વિભાગોના ચાર્જ સોંપવામાં આવે છે. ઘણા હોદ્દા પર તો ફરજીયાત સક્ષમ સત્તાની મંજુરી લેવી પડે છ છતાં નબળી સક્ષમ સત્તાને કારણે તને નગણ્ય કરી ચાર્જ સોંપાતા ભારે વિવાદ સર્જાયો.
કોર્પો.માં છેલ્લા ઘણા સમયથી જુદાં-જુદાં વિભાગોમાં ઉચ્ચ હોદ્દાઓ પર કમિશનરના હૂકમથી મહેકમ વિભાગ દ્વારા મનઘડત રીતે અધિકારીઓને ચાર્જ સોંપવાના કિસ્સાઓ બહાર આવ્યા છે તેમાં પણ નિયમોને નેવે મુકી ચાર્જ સોંપાતા ભારે વિવાદ સર્જાયો છે. કોર્પો.માં વિવિધ હોદ્દાનો ચાર્જ સોંપવા અને તેને સંબંધિત નિયમો વર્ષ ૨૦૦૨માં જ ઘડવામાં આવ્યા હતા. સમગ્ર સભા ઠરાવ આંક ૭૮ તા. ૨૯-૧૧-૨૦૦૧ અને ૧૧૬ તા. ૩૦-૧-૨૦૦૨ બે ઠરાવના આધારે કમિશનરે પરિપત્ર બહાર પાડી ચાર્જ સોંપવાની દસ શરતો દ્વારા હુકમ કર્યો હતો. જેમાં બી.પી.એમ.સી. એક્ટ કલમ-૫૩ અન્વયે શરત નં. ૭ મુજબ બેઝીક R ૮૦૦૦ થી વધુ પગારદાર કર્મચારી-અધિકારીનો ચાર્જ માટે સક્ષમ સત્તાની મંજુરી લેવી પડે અને ચાર્જ આપવા સક્ષમ સત્તાને સિનિયોરીટી લિસ્ટ રજુ કરવું પડે. પરંતુ હાલમાં સક્ષમ સત્તાને અંધારામાં રાખી અધિકારીઓને ચાર્જ સોંપવામાં આવે છે ત્યારે સિનિયોરીટીનો તો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી.
તદ્દઉપરાંત શરત નં. ૧૦ મુજબ હોદ્દાને લાયકાત ધરાવતી વ્યક્તિને જ ચાર્જ સોંપવો પડે પરંતુ નીતિ નિયમો તો જાણે માત્ર ચોપડે જ હોય તેમ કોર્પોરેશનના અધિકારીઓને મનફાવે તેમ તંત્રની મનસુફી પ્રમાણે ચાર્જ સોંપવામાં આવે છે. સક્ષમ સત્તા પણ જાણે માત્ર નામની જ રહી ગઈ હોય તેમ અધિકારીઓ તેને ગણકારતા જ નહી હોવા છતાં હાથ પર હાથ ધરી તમાશો જોયા કરે છે અને મુખ્યમંત્રી
પાસે સુચારૂ વહીવટના ગાણા ગાયા કરે છે.
ઈડીપી મેનેજરને લીગલ લેબર અને મહેકમ ઈન્સ્પેકટરને ઓફિસ સુપ્રિ.નો ચાર્જ!
કોર્પોરેશનના એક સાથે ત્રણ-ત્રણ ચાર્જ સંભાળતા લીગલ, લેબર ઓફિસર અને ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ આર. કે. જોગરાણા રજા પર જતા તેનો ચાર્જ એવા અધિકારીઓને સોંપ્યો કે જેઓ હાલમાં પણ જે હોદ્દા પર છે તે ગેરલાયક છે. જેમાં લીગલ કમ લેબર ઓફિસરનો ચાર્જ ઈડીપી મેનેજર ફાલ્ગુન શાહને અને ઓફિસ સુપ્રિ.નો ચાર્જ મહેકમ ઈન્સ્પેકટર કારિયાને સોંપાયો છે.