સુરત નિવાસી મુળ ભાવનગરના મનહરલાલ રતિલાલ શાહ પરિવારના સ્વ. ઉર્મિલાબેન અરવિંદભાઈ શાહના આત્મશ્રેયાર્થે નિકળનારા આ સંઘમાં ભાવનગર ઉપરાંત સુરત, અમદાવાદ અને વડોદરાના પણ અનેક યાત્રિકો જોડાશે.
છ’રિપાલિત પદયાત્રા સંઘમાં ભગવાનના જુદા-જુદા ચાર રથ, પાલિતાણાનું પ્રખ્યાત નિલમ બેન્ડ, ૩૫ ઘોડાગાડી, ૩ બગી, ૪ ઘોડા,૨ હાથી, નૃત્ય મંડળી, વિરમગામના ઢોલી, શંખવાદનની મંડળ, ૧૧ ઉંટ ગાડી અને સાધુ-સાધ્વીઓનો વિશાળ સમુદાય જોડાશે.
આ સંઘની વિશેષતા એ છે કે, પાલિતાણાના મુખ્ય માર્ગને બદલે ભાવનગરથી વાળુકડ, ટાણા સહિતના ગામડાઓમાં થઈને આ સંઘ પ્રયાણ કરશે જેના કારણે અંતરીયાળ ગામડાઓમાં આવેલા દેરાસરના દર્શનનો પણ લાભ મળશે. ભાાનગર થી તા. ૧૨-૨-૧૨ને રવિવારે નિકળી આ સંઘ તા. ૧૭-૨-૧૨ને શુક્રવારે પાલિતાણા પહોંચશે.
ભાવનગરમાં અત્યાર સુધી નિકળેલા પદયાત્રા સંઘ કરતાં આ સંઘમાં ૧૨૦૦ જેટલા સૌથી વધુ યાત્રિકો જોડાશે. સંઘમાં જોડાનાર દરેક એકાસણુ, આયંબિલ કે ઉપવાસની ઉગ્ર તપસ્યા કરશે. રાત્રે તંબુમાં સૂઈ રહેશે. દરરોજ પ્રતક્રિમણ, પૂજન, સંઘ્યાભક્તિ સહિત ધાર્મિક કાર્યોની ઉલ્લાસભેર ઉજવણી થશે.સમગ્ર ભાવનગર જૈન સંઘમાં આ પદયાત્રા સંઘને અનુલક્ષી અભૂતપૂર્વ આનંદ-ઉલ્લાસ પ્રર્વતી રહ્યો છે.