પોરબંદર જીલ્લામાં છેલ્લા પાંચ થી છ દિવસથી અવિરત મેઘવર્ષાથી જનજીવનને પ્રભાવીત કરી દીધુ છે. તેમા કુતિયાણા તાલુકામા છેલ્લા ત્રણ દિવસમાં ૧૬ ઇંચ જેવો વરસાદ ખાબકતા જળબંબાકાળ જેવી સ્થિતીનુ નિર્માણ થયુ છે. પોરબંદર શહેરમાં ગઇ કાલે રાત્રીના એક ઇંચ જેવો વરસાદ પડ્યા બાદ આજ દિવસ દરમ્યાન વધુ ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. રાણાવાવ તાલુકામાં છેલ્લી ર૪ કલાકમાં ત્રણ ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો.
સૌમગ્ર સૌરાષ્ટ્રમાં શ્રાવણ માસમાં અસાઢી માહોલ છવાયો છે. જેમા પોરબંદર જીલ્લામાં પણ મેઘરાજા છેલ્લા પાંચ-છ દિવસથી અવિરત હેત વર્ષાવી રહ્યા છે જેના કારણે જન્માષ્ટમીના લોકમેળાની ઉજવણીનો ઉત્સાહમા ઠંડક પ્રસરી ગઇ હોય તેમ લાગી રહ્યું છે. ગઇ કાલે રાત્રીના પોરબંદર શહેરમાં એક ઇંચ જેવો વરસાદ પડ્યા બાદ આજ સવારથી બપોરના ૪ વાગ્યા સુધી ધીમીધારે વરસતા વધુ ત્રણ ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો. જેના કારણે એમ. જી. રોડ, સુદામાચોક, હોસ્પિટલ રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
કુતિયાણા તાલુકામાં તો છેલ્લા ચાર દિવસથી મેઘરાજા ઓળઘોળ થયા હોય તેમ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગઇ કાલે રાત્રીના ૪ ઇંચ જેવો વરસાદ ખાબક્યા બાદ દિવસ દરમ્યાન હળવો ભારે વરસાદ ચાલુ રહેતા વધુ ૪ ઇંચ વરસાદ નોંધાયો હતો. છેલ્લા ત્રણ દિવસના આંકડા પર નજર કરીએ તો ૧૬ ઇંચ જેવો વરસાદ કુતિયાણા તાલુકામાં નોંધાયો છે. જેના કારણે નિચાણવાળા વિસ્તારો ઉપરાંત ઘેડના ગામડાઓ જળબંબોળ બની ગયા છે.
રાણાવાવ તાલુકામાં ગઇ કાલે આજે દિવસના પણ બે ઇંચ જેવો વરસાદ પડતા જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ૪ થી પ ઇંચ જેવો વરસાદ પડ્યાના સમાચાર સાપડે છે. બરડા અને ઘેડ પંથકમાં પણ મેઘરાજાની મહેર થયાવત રહેતા બરડાના બગવદર, સોઢાણા, અડવાણા, વિસાવાડા સહિતના ગામોમાં પણ ત્રણ ઇંચ જેવો વરસાદ પડયો હતો. ઘેડના માધવપુર, મંડેર, શીંગરીયા, ચીકાસા સહિતના ગામડાઓમાં આજ દિવસ દરમ્યાન ત્રણઇંચ વરસાદ પડવા ઉપરાંત ભાદર ઓઝતના પાણી ફરી વળતા બેટમાં ફેરવાયા હતા.
પોરબંદર જિલ્લાને અસર કરતા ડેમો ઓવરફ્લો -
ભારે વરસાદને પગલે પોરબંદર જીલ્લાને અસર કરતા ડેમો ઓવરફ્લો થઇ જતા નીચાણવાળા ગામોને સાવચેત રહેવા જણાવાયુ છે. પોરબંદરનો ખંભાળા ડેમ ૭ ઇંચે, ફોદાળા ડેમ ૦.ર૩ ઇંચે, કાલીન્દ્રી ડેમ ર૦ સે.મી. એ અને સોરઠી ડેમ ૦.રપ સે.મી. ઓવરફ્લો, અમીપર ડેમના બે દરવાજા એક મીટરે ખોલાયા, વર્તુ-ર ડેમના ૧૪ દરવાજા ર ફુટ, ખારા ડેમના છ દરવાજા બે ફુટ જ્યારે ભાદર-ર ડેમના છ દરવાજા ૪ ફુટ ખોલવામાં આવ્યા છે.
પોરબંદરથી દ્વારકા અને સોમનાથના રસ્તા બંધ -
પોરબંદર જીલ્લામા ભારે વરસાદને પગલે પોરબંદર-વેરાવળ કોસ્ટલ હાઇવે ઉપર નરવાઇ માતાજીના મંદિર નજીક ભાદરના પાણી ફરી વળતા આજ સવારથી પોરબંદર-વેરાવળ વચ્ચેનો રસ્તો બંધ થઇ ગયો હતો. જ્યારે પોરબંદર-દ્વારકાના રૂટ ઉપર કુછડી નજીક રોડ ઉપર પાણી ફરી વળતા પોરબંદર અને દ્વારકા વચ્ચેનો રસ્તો પણ બંધ થઇ ગયો હતો. આ ઉપરાંત સોઢાણા નજીક કુંજવેલમાં પાણી આવી જતા પોરબંદર અને ખંભાળીયાનો રસ્તો આજ સવારથી જ બંધ થઇ ગયો હોવાનું જાણવા મળે છે.