‘મારા કાર્યકાળ દરમ્યાન મેં એક પૈસો પણ ઉઘરાવ્યો નથી’ શહેર ભાજપ પ્રમુખના નિવેદનથી કાર્યકર્તાઓમાં ચર્ચા
ભાજપે રાજ્યભરમાં આજે પંડિત દિનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથી નિમીત્તે ધનસંગ્રહ અભિયાનનો પ્રારંભ થયો છે. જેમાં શહેર ભાજપ દ્વારા આજે સક્રિય કાર્યકર્તાઓનાં સંમેલનમાં સંગઠનના મુખ્ય હોદ્દેદારોએ સાડા અગીયાર લાખની પાર્ટી ફંડ માટે જાહેરાત કરી પહેલ કરી હતી જોકે પાર્ટી ફંડના સામાન્ય પ્રજા પાસેથી ઉઘરાણા બાબતે કાર્યકર્તાઓમાં કચવાટની લાગણી ફેલાઈ હતી.
ભાજપના ઉમેદવારોને મતદારો મત આપીને સમર્થન આપે તેની સાથે રાજકીય પાર્ટીને મતદાન ઉપરાંત ધનદાન કરે અને પાર્ટી ફંડ પારદર્શન રહે તેવા હેતુથી ભાજપ દ્વારા આજે સમર્પણ દિનથી ધનસંગ્રહ અભિયાનનો પ્રારંભ કર્યો છે.
પંડિત દિનદયાળની પુણ્યતિથી નિમીત્તે આજે શહેર ભાજપનાં સક્રિય કાર્યકર્તાઓનું શિવશક્તિ હોલમાં સંમેલન યોજાયું હતું. જેમાં શહેર ભાજપ પ્રમુખ ટી.એમ. પટેલે પોતાનો કાર્યકાળ યાદ દેવરાવી તે દરમિયાન મેં કોઈપણ જાતનું ફંડ ઉઘરાણું નહીં હોવાનું અને પ્રાંતનો આદેશ તેમજ મુખ્યમંત્રીની ઈચ્છા સાથે છેવાડાના ઘર સુધી ધનસંગ્રહથી પક્ષની લાગણી પહોંચાડવા અનુરોધ કરી આમાંથી જ ચૂંટણી લડવાની હોવાનું જણાવતા કાર્યકરો ઓછામાં ઘણું સમજી ગયા હતા. આજે ૧૧મી ફેબ્રુઆરીથી છઠી એપ્રિલ સુધી ધનસંગ્રહ અભિયાન શરૂ રહેશે અને આજે અભિયાનના પ્રારંભે સંગઠનના મુખ્ય આગેવાનો દ્વારા રૂ.૧૧,૫૦,૦૦૦નું ફંડ જમા કરાવ્યું હતુ.