સમગ્ર વિશ્વમાં સુંદર યુવતીઓ માટે મિસ યુનિવર્સ, મિસ વર્લ્ડ અને મિસ અર્થ જેવી સ્પર્ધાઓ યોજાઇ છે. આમ પણ કુદરતે દરેક વ્યક્તિ કે પશુ કે પ્રાણીને સુંદર બનવાનો અધિકાર આપ્યો હોય ધોરાજીમાં છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જેની સંખ્યા ઉત્તરોત્તર ઘટી રહી છે તેવી ગીરગાય અને વોડકીની સૌંદર્ય સ્પર્ધા યોજાઇ છે.
આ વર્ષે પણ ધોરાજીમાં રાજકોટ જિલ્લામાં પશુપાલન ખાતાના સહયોગથી પાંજરાપોળ અને ગૌશાળા દ્વારા તા.૮ને શનિવારે અવેડા ચોક ખાતેની ગોકુલધામ ગૌ-શાળા ખાતે સવારે ૯:૩૦ વાગ્યે ગીરગાય અને વોડકી ગાયની સૌંદર્ય સ્પર્ધા યોજાશે.
આ સૌંદર્ય સ્પર્ધા અંગે ગૌશાળાના પ્રમુખ મનોજભાઇ પારેખે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ગીર અને વોડકી ગાયો સ્પર્ધામાં ભાગ લઇ શકશે અને પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનારને પુરસ્કાર અને પ્રમાણપત્રથી સન્માનિત કરાશે તેમ જણાવ્યું હતું. આ સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લેવા માટે ધોરાજી પાંજરાપોળ, ગૌશાળા તથા ગોકુલધામ ગૌશાળા મંડળનો સંપર્ક કરવા જણાવ્યું હતું. સ્પર્ધાની સાથે શહેરની તમામ ગાયોને ખરવાની રસી ગૌશાળા ખાતે મૂકી અપાશે.
ઉત્તમ ગીર ગાયનું સંવર્ધન વધે તે જરૂરી -
સૌરાષ્ટ્રના ગીરની ગીરગાયોની સંખ્યા સૌરાષ્ટ્ર કરતાં બ્રાઝિલમાં વધુ છે અને હાલ ગીર ગાયોની સંખ્યા ઉત્તરોત્તર ઘટતી જતી હોય ઉત્તમ ગીરગાયના સંવર્ધન માટે ખેડૂતો અને પશુપાલકોને જાગૃત કરાય તે જરૂરી બન્યું છે.
ગીરગાયનાં ઉછેરની માહિતી અપાય તે જરૂરી -
સૌરાષ્ટ્રમાં ઉત્તમ ઓલાદની ગીરગાયની સંખ્યા ઘટી રહી હોય પશુપાલકોને ગીરગાયની મહત્વતા, ઉપયોગિતા અને ઉછેરની માહિતી અપાય તે પણ જરૂરી બન્યું છે.