જોડિયા નજીક ભાદરા પાટિયા પાસે આવેલી એક જીનીંગ મીલમાં ગઇરાત્રે આગ લાગતા મીલમાં રહેલો લાખોની કિંમતનો કપાસનો જથ્થો બળીને ખાખ થઇ ગયો હતો. ફાયર બ્રિગેડની ટુકડીએ દોડી જઇ આગને કાબૂમાં લીધી હતી. શોર્ટ સરકીટને કારણે આગ લાગ્યાનું બહાર આવ્યું છે.
પ્રાપ્તવિગતો અનુસાર ભાદરા પાટિયા પાસે આવેલી શ્રી સતનામ જીનીંગ મીલના ચોગાનમાં ઉભેલા વીજ થાંભલામાં શોર્ટ સરકીટ થતાં ઝરેલા તણખા નીચે રહેલા કપાસ (રૂ)ના જથ્થામાં પડતા આગ લાગી હતી. પવનને કારણે આગે મોટું સ્વરૂપ ધારણ કરતાં ધ્રોલ ફાયર બ્રિગેડને જાણ કરતાં દોડી આવેલા ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી કલાકોની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.
જો કે, ત્યાં સુધીમાં લાખોની કિંમતનો કપાસનો જથ્થો બળીને ખાખ થઇ ગયો હતો. જે બચ્યો તે પણ પાણીના મારાને કારણે નકામો થઇ ગયો હતો. આગની આ ઘટના અંગે વીજતંત્રની બેદરકારીને જવાબદાર ગણવામાં આવી રહી છે. કેમ કે, થાંભલાનું સ્થળ બદલવા નિયમ મુજબ ચાર્જ ભરી દેવામાં આવ્યો હોવા છતાં વીજકંપની દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.