જામનગર નજીકના સીકકા નજીકના મુંગણી ગામે ટીપીએસના કોન્ટ્રાક્ટરે સુપર વાઇઝર યુવાનની છરીનો ઘા ફટકારી ધાતકી હત્યા નપિજાવતા ચકચાર જાગી છે. કોન્ટ્રાકટ કામ બાબતે બન્ને વચ્ચે થયેલા મનદુ:ખ બાદ આરોપી ગરાસિયા શખ્સે વિપ્ર યુવાનનું ઢીમ ઢાળી નાશી છુટયો હોવાનું જાહેર થયું છે.
જામનગર નજીક આવેલા મુંગણી ગામે શુક્રવારે મોડીરાત્રે કાનજી નરશીભાઇ શાહની વાડીમાં મહેન્દ્રસિંહ ભૂપતસિંહ જાડેજા નામના શખ્સે સીકકામાં પંચવટી સોસાયટીમાં રહેતા ઉદય નાનાલાલ જોષી (ઉ.વ.૩૩) પર છરી જેવા તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી, શરીરની ડાબી બાજુની પાંસળીમાં એક જીવલેણ ઘા ફટકારી યુવાનની કરપીણ હત્યા નિપજાવી હતી.
આ બનાવ અંગે જાણ થતા ૫ંચકોશી-બી ડીવીઝન પીએસઆઇ એમ.આર.નકુમ, પ્રતપિાલસિંહ જાડેજા, બાબુલાલ પરમાર, ખીમભાઇ ભોચીયા સહિતના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ મૃતકનો કબજો સંભાળી, હોસ્પિટલ ખસેડી પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. આ ઘટનાની મૃતકના પીતા નાનાલાલ જોષીએ ગરાસિયા શખ્સ તથા તેના અજ્ઞાત સાગ્રીતો સામે હત્યાનો ગુનો નોંધાવ્યો હતો. મુંગણી ગામે રહેતો આરોપી ગરાસિયા શખ્સ ટીપીએસમાં કોન્ટ્રાકટનું કામ કરે છે.
જ્યારે મૃતક આરોપીની પેઢીમાં સુપરવાઇઝર તરીકે જોડાયો હતો. દરમ્યાન કોન્ટ્રાકટ કામ બાબતે બન્ને વચ્ચે મનદુખ થતા ગતરાત્રે આરોપીએ વિપ્ર યુવાનનું ઢીમ ઢાળી દીધું હોવાનું પોલીસમાં જાહેર થયું હતું. પોલીસે નાશી છુટેલા આરોપીની શોધખોળ હાથ ધરી છે.