- આજે મેંદરડામાં ગાર્ડ ઓફ ઓર્નર આપી કરાશે અંતિમવિધિ
મેંદરડાનાં વતની અને હાલ મધ્યપ્રદેશમાં ઝાંસી પાસે બબીના ખાતે લશ્કરમાં કાર્યરત યુવાનનું ગઇકાલે માર્ગ અકસ્માતમાં મોત થયું છે.
મેંદરડાનો ભાવેશ છગનભાઇ રામાણી (ઉ.૩૪) નામનો યુવાન વર્ષ ૧૯૯૪ માં લશ્કરની ઇએમઇ માં ટેકનીકલ સોલ્જર તરીકે જોડાયો હતો. અને સમયાંતરે બઢતી મેળવી નાયકનાં હોદ્દે પહોંચ્યો હતો. મધ્યપ્રદેશનાં ઝાંસી પાસે આવેલા બબીના સ્થિત બોફોર્સ ગન રીપેરિંગ વર્કશોપમાં ફરજ બજાવતો હતો.
ગઇકાલે રાત્રે લગભગ ૯ વાગ્યાના અરસામાં પોતાની જેજી-૬ સીકયુ- ૧૨૫૫ પર બેસી પોતાનાં ડ્યુટી યુનિટ ૧૦૧૦ ટીપીટી વર્કશોપ તરફથી ઘર તરફ આવવા નીકળ્યો હતો. એ વખતે ૧૩ આર્મ્ડ રેજીમેન્ટની સીએસડી કેન્ટીન નજીક સામેથી આવતા ધર્મેન્દ્ર ઓમપ્રકાશ (ઉ.૩૨, રે. શાસ્ત્રીનગર, બબીના-ઝાંસી) નામનાં એક સાયકલસવાર સાથે તેની મોટરસાઇકલ જોશથી ટકરાઇ હતી.
આ અકસ્માતમાં નાયક ભાવેશ રામાણી અને સાયકલ સવાર ધર્મેન્દ્ર બંને જમીન પર ફંગોળાયા હતા. ભાવેશને આર્મી હોસ્પિટલ લઇ જવાયો હતો. જોકે, તેને સારવાર મળે એ પહેલાં તેણે ઘટનાસ્થળેજ દમ તોડી દીધો હતો. જ્યારે ધર્મેન્દ્રને ઝાંસીની મેડીકલ કોલેજ ખાતે લઇ જવાયો છે.
જ્યાં તે જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઇ રહ્યો છે. દરમ્યાન ભાવેશનાં મૃતદેહનો કબ્જો પોલીસે મેળવી તેનું પી.એમ. કરાવ્યા બાદ આર્મીને સોંપ્યો હતો. આવતીકાલે આર્મીનાં જવાનો ભાવેશનાં પાર્થિવદેહને લઇને મેંદરડા આવી રહ્યા છે. અને મેંદરડામાં તેને આર્મીનાં જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓર્નર આપી અંતિમવિધી કરાશે.