બુધવારે સાંજે ભાવનગરમાં મેગા ઇવેન્ટ શો યોજાશે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને રાજ્યપાલ ડો. કમલા બેનીવાલ હાજર રહે તેવી શક્યતા છે. કાર્યક્રમમાં ભાવનગરનો જાણ્યો-અજાણ્યો ઇતિહાસ, લોકસાહિત્ય અને નૃત્ય આધારિત કાર્યક્રમો રજૂ કરાશે.
કાર્યક્રમને માણવા 70થી 80 હજાર જેટલા લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. કાર્યક્રમમાં રજૂ થનારા મહત્વના પ્રસંગોમાં 1892માં સ્વામી વિવેકાનંદ ભાવનગરથી શિહોર ગયા હતા તેનો પ્રસંગ વણી લેવામાં આવ્યો છે. તે સમયે શિહોરમાં અજ્ઞાતવાસે રહેલા નાનાસાહેબ પેશ્વાને સ્વામી વિવેકાનંદ મળ્યા હતા. નાનાસાહેબ સ્વામી ધ્યાનચંદ વિરેન્દ્રના નામથી સાધુવેશે રહેતા હતા.
- કૃષ્ણકુમારસિંહજીનો પ્રસંગ
આ કાર્યક્રમમાં રજૂ થનારો બીજો મહત્વનો પ્રસંગ ભાવનગરના ભૂતપૂર્વ રાજવી કૃષ્ણકુમારસિંહજી અંગેનો છે. કૃષ્ણકુમારસિંહે વર્ષ 1947માં પોતાનું સમૃદ્ધ ભાવનગર રાજ્ય ગાંધીજીના ચરણોમાં ધરી દીધું હતું અને ભારતના વિલીનીકરણની વિનંતી કરી હતી.
- તૈલચિત્ર માટે ગાંધીજીએ આપ્યું 5 કલાક સિટીંગ
કૃષ્ણકુમારસિંહના દિવાન પ્રભાશંકર પટ્ટણી મોટા કવિ હતા. તેમણે 1930માં ગોળમેજી પરિષદ વખતે લંડનમાં એક ચિત્રકાર દ્વારા ગાંધીજીનું તૈલચિત્ર બનાવડાવ્યું હતું. આ ચિત્ર માટે ગાંધીજીએ બ્રિટીશ ચિત્રકારને 5 દિવસ સુધી એક કલાક માટે સિટીંગ આપ્યું હતું.
- આંતરરાષ્ટ્રીય ચીની પ્રવાસી યુ એન શાંગની વલ્લભીપુરની મુલાકાત
આંતરરાષ્ટ્રીય ચીની પ્રવાસી યુ એન શાંગે વલ્લભીપુરની લીધેલી મુલાકાત અને તળાજાના ગોપનાથ મંદિરમાં ભક્તકવિ નરસિંહ મહેતાને થયેલો ભગવાન શિવનો સાક્ષાત્કાર, જોગીદાસ ખુમાણ નામના બહારવટિયાના ખમીર અને ખુમારીની કથા પણ આ કાર્યક્રમમાં આવરી લેવાઇ છે.
આંતરરાષ્ટ્રીય પત્રકાર કૃષ્ણલાલ શ્રીધરાણી ભાવનગરના વતની હતા. તેની જન્મશતાબ્દી વર્ષે તેનું લોકપ્રિય ગીત પણ નાટકમાં વણી લેવાયું છે.
ભાવનગર જિલ્લા માટે આઝાદી પછી આ પહેલો મોટો સાંસ્કૃતિક અવસર છે. જેમાં નાનાભાઇ ભટ્ટ, ઝવેરચંદ મેઘાણી જેવા પાત્રોને જીવંત કરાયા છે. આ પ્રસ્તૃતિનું લેખન વિષ્ણુ પંડ્યાએ કર્યું છે. 2005થી તેઓ આ પ્રકારના અવસર માટે ઇતિહાસ સંશોધન તથા અજાણી ઘટનાઓની નાટ્ય પ્રસ્તતિ કરે છે.
તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.