ઘરે અને દુકાને હનુમાન ચાલીસાનાં પાઠ કરી એકઠી થયેલી રકમ પક્ષીઓનાં ચણ માટે વાપરે છે
સંત અને શુરવીરોની ભુમી એવા સૌરાષ્ટ્રમાં અબોલ પશુ-પક્ષીઓ માટે દાનની સરવાણી વહાવનારાઓની અને નિસ્વાર્થભાવે સેવા કરનારાઓની કોઇ કમી નથી. રાજુલામાં મારૂતિ મંડળ દ્વારા પક્ષીઓ માટે આવી જ એક નિસ્વાર્થ સેવાનો યજ્ઞ પાછલા સાત સાત વર્ષથી ચલાવવામાં આવે છે.
મારૂતિ મંડળના સભ્યો હનુમાન ચાલીસાના પાઠ દ્વારા શહેરમાંથી પક્ષીઓના ચણ માટે રકમ એકઠી કરે છે. મારૂતિ મંડળના સભ્યો મનુબાપુ, હસુભાઇ મહાવીર, અશોકભાઇ વાજા વગેરે દ્વારા જે ભાવિકોને પોતાના ઘરે કે દુકાને હનુમાન ચાલીસાના પાઠ કરાવવા હોય તેમને ત્યાં જઇને આ પાઠ કરવામાં આવે છે. મંડળના સભ્યો દ્રારા રાત્રીના સમયે સંગીતમય ગાન દ્રારા હનુમાન ચાલીસાના પાઠ કરાય છે.
આરતી, થાળ તથા ભેટમાં આવેલી તમામ રકમ પક્ષીના ચણ માટે આપી દેવામાં આવે છે. કેટલાક ભાવિકો હનુમાન ચાલીસાના પાઠ વગર પણ પક્ષીના ચણ માટે રોકડ રકમ કે ઘઉં સહિતનું અનાજ દાનમાં આપે છે. પક્ષીની ચણ અને સંગીતના સાધનો સાથે હનુમાન ચાલીસાના પાઠની સેવા નારણભાઇ સોંડાગર દ્રારા પણ છેલ્લા સાત સાત વર્ષથી કરવામાં આવે છે.
રાજુલા હોસ્પિટલ ચોકમાં આવેલ પક્ષીની ચકલી ખાતે દિવસમાં બે વખત પક્ષીઓને ચણ નાખવામાં આવે છે. ચણના દાતાઓ શોધી નિસ્વાર્થ સેવા કરાય છે. દરરોજ મોટી સંખ્યામાં ચકલી, કબુતર જેવા પક્ષીઓદાણા ચણવા આવે છે. પક્ષીઓની આ સેવા અનન્ય અને અનુકરણીય છે.
દરરોજ એક કટો ઘઉં ચણ માટે
રાજુલામાં પક્ષી પ્રેમીઓ દ્રારા આ નિસ્વાર્થ સેવા દ્રારા દરરોજ એક કટો જેટલા ઘઉ પક્ષીઓને ચણ તરીકે નાખવામાં આવે છે. આ ચણની કિમત આશરે રૂપિયા ૪૦૦ થી ૫૦૦ જેટલી થાય છે. ભાવિકોની મદદથી મારૂતી મંડળના સભ્યો અને પક્ષી પ્રેમીઓ આ ચણની સેવા કર્યે જાય છે.
લારી હાંકવાની મજુરીમાંથી સમય કાઢી પક્ષીઓની સેવા
નારણભાઇ લારી હાંકી પોતાનું ગુજરાન ચલાવે છે. દિવસે તેઓ લારી હાંકવાના મજુરી કામમાંથી પણ સમય કાઢીને પક્ષીઓની ચણની સેવા કરવાનું ઉતમ કામ ચુકતા નથી. અહી પક્ષીઓની સેવામાં રોકાયેલ દરેક વ્યક્તિ પોતાનું કામ પડતુ મુકીને પણ દોડી જાય છે.