ભારતવર્ષનાં ઈતિહાસનાં આશરાધર્મ પાછળ ખેલાયેલા ધ્રોલનાં ભૂચરમોરીનાં યુધ્ધમાં શહીદીને વહોરનાર શહીદોને શ્રધ્ધાંજલી આપવા અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા આયોજીત ૧૯માં ભૂચરમોરી શહીદ શ્રધ્ધાંજલી સમારોહમાં વિશાળ સંખ્યામાં ક્ષત્રિયોએ શ્રધ્ધાંજલી અર્પી હતી. આ પ્રસંગે યોજાયેલા તલવાર બાજી, શૌર્યરાસ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોથી દર્શકો અભિભૂત થઇ ગયા હતાં.
ધ્રોલનાં ભૂચરમોરીનાં મેદાન પર ખેલાયેલું યુધ્ધ ભારતનાં ઈતિહાસનું આશરા ધર્મ પાછળ ખેલાયેલું મોટું યુધ્ધ છે. ઇ.સ. ૧૫૮૩માં જુનાગઢનાં નવાબ મુજફરશાહ (બીજા) એ બાદશાહ અકબર સામે બંડ પોકાર્યા હતો. આથી ગુજરાતનાં તેમનાં સુબા અજીજ કોકાએ મુજફરશાહને કેદ કર્યો હતો અને મુજરફરશાહ જેલ તોડીને ભાગ્યો અને જામનગર સ્ટેટ જામસતાજીને શરણે આવ્યો હતો. શરણાગતનું રક્ષણ કરવુંએ ક્ષત્રિયનો ધર્મ જાણી તેને આશ્રય આપ્યો. અંતે બાદશાહ અકબરનું જામનગર સ્ટેટનાં સૈન્ય સામે ભીષણ યુધ્ધ ભૂચરમોરીનાં મેદાનમાં થયું હતું.
આ યુધ્ધમાં શહીદ થયેલા શહીદોને શ્રધ્ધાંજલી અર્પવા દરવર્ષે ક્ષત્રિયો દુર દુરથી ઉમટી પડે છે. આ વર્ષ શ્રધ્ધાંજલી સમારોહનાં અધ્યક્ષસ્થાને એચ.એચ મહારાવ રઘુવીરસિંહ ઓફ ચિરોળી રાજસ્થાન, અતિથિ વિશેષ પદે સાંસદ વિક્રમભાઇ માડમ, ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા લખનૌનાં અધ્યક્ષ બાબા હરદેવજી, કર્નલ ડી.સી. સિંઘ-લખનૌ, મુકેશકુમારસિંહ અને રામદેવજી-દિલ્હી, અજય કુંવરસિંહ-લખનૌ, યુવા ભાજપનાં પ્રદેશ પ્રમુખ પ્રદિપસિંહ વાઘેલા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમમાં સીંગલ અને ડબલ તલવાર સ્પર્ધા અને એન.કે. જાડેજા કન્યાછાત્રાલય રાજકોટની બાળાઓએ આંખે પાટા બાંધી તલવાર વડે સુંદર શૌર્ય રાસ રજૂ કર્યો હતો.