ઓખામંડળના મીઠાપુરમાં પરણિત યુવતિએ અગમ્ય કારણોસર ગળાફાસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર જાગી છે. જ્યારે તાવ અને માથાના દુ:ખાવાની બીમારીથી પીડાતા યુવાને હોસ્પિટલના બિછાને દમ તોડયો હતો.
મીઠાપુર ટાઉનમાં રહેતી રમીલાબેન દેવજીભાઇ દાફડા (ઉ.વ.૨૦) નામની યુવતિએ આજે શુક્રવારે બપોરે પોતાના ઘરે પંખામાં દોરી બાંધી ગળાફાસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બે વર્ષનો લગ્નગાળો ધરાવતી પરિણીતાના સાસુ અને નણંદ બહારગામ ગયા હતાં.
જ્યારે પતિ મજુરી કામે ગયા હતાં. દરમિયાન એકલી પડેલી તેણીએ અગમ્યકારણોસર આ પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું હતું. આ બનાવનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી હતી.
જ્યારે જોડિયા તાલુકાના કેશીયા ગામે રહેતા પાતરીયા ચંદુભાઇ વસુમીયા (ઉ.વ.૨૫) નામના આદિવાસી યુવાને તાવ અને માથાના દુ:ખાવાની બીમારી લાગુ પડતાં જી.જી.માં ખસેડાતા સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું.