- પોતાની પેઢીમાંથી R ૯.૪૩ લાખ, જ્યારે અન્ય ત્રણ પેઢીઓમાં ફોન કરી R ૬૩.૮૦ લાખ ઉપાડી લીધા
જામનગરમાં દગ્વિજય પ્લોટ વિસ્તારમાં આવેલી આંગડીયા પેઢીના મેનેજરે પોતાની પેઢી સહિત અન્ય ત્રણ પેઢીઓમાંથી R ૭૩.૨૩ લાખની છેતરપીંડી આચરી હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઇ છે. આરોપી મેનેજર આ છેતરપીંડી તેના ત્રણ મિત્રોની મદદથી આચરી હોવાનું સામે આવ્યું છે.
જામનગરમાં દગ્વિજય પ્લોટ વિસ્તારમાં આવેલી દિનેશ દશરથલાલ પટેલ નામની આંગડીયા પેઢીનો મેનેજર મહેશ ગોપાલદાસ પટેલ બુધવારે સાંજે પેઢીમાંથી R ૯,૪૩,૨૧૦ની રોકડ ઉપાડી નાશી ગયો હોવાની માલિક આશિષ પટેલે પોલીસ દફતરે ફરિયાદ નોંધાવી હતી. આ પેઢી ઉપરાંત આરોપી મેનેજરે મહેસાણાની મણીલાલ મગનલાલ નામની પેઢીમાં ફોન કરી પોતાના મિત્ર કનુભાઇને મોકલીરૂ. ૧૧,૬૦,૯૦૦ મેળવી લીધા હતાં.
જ્યારે આ જ પેઢીની સુરતમાં આવેલી બ્રાન્ચમાં પોતાના મિત્ર પિકેશને મોકલી R ૧૭.૮૦ લાખની રોકડ ઉપાડી લીધી હતી. ઉપરાંત રાજસ્થાનના જોધપુરમાં કશિન જયેશકુમારની પેઢીમાં ફોન કરી પોતાના મિત્ર રમેશભાઇને મોકલી R ૩૧.૪૦ લાખ મેળવી લીધા હતાં.
રૂપિયા લેવા આવનાર વ્યક્તિ અમારી પેઢીના કર્મચારી જ છે એમ કહી મેનેજરે અન્ય પેડીઓને શીશામાં ઉતારી હતી. પોલીસે ચારેય શખ્સો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.