- દામ્પત્ય જીવનમાં પ્રેમની જેમ જ ઝગડો પણ જરૂરી છે
- પત્નીની લાગણી અને માંગણી સમજી શકે તે પતિ સુખી થાય
કોઈ દિ એને જગતમાં
જિંદગી મળતી નથી,
બહુ અભાગી વસ્ત્ર છે એ,
જે કફન થઈ જાય છે.
બિઝનેસમાં કોઇ એક વ્યક્તિ એમ માને કે હું જ આ બધુ સંભાળુ છે અને મારે કારણે, મારી આવડતને કારણે જ ધંધો ચાલે છે તો તે તેની ભુલ છે. બિઝનેસના વિકાસમાં કર્મચારીઓ અને નાના એવા પટ્ટાવાળાનો પણ એટલો જ ફાળો છે.
મેનેજમેન્ટ ગુરૂઓનું માનવું છે કે કોઇપણ વ્યક્તિ એમ માને કે મારે કારણે જ ધંધો ચાલે છે તો તે ખોટી વાત છે. ધંધામાં માલિક હોય કે કર્મચારી દરેકે ટીમ વર્કનું મહત્વ સમજવું જોઇએ.
સંસારમાં પ્રેમ અને ઝગડો એ બે એવી વસ્તુ છે કે કોઇ એકલા માણસથી પૂર્ણ પણે નથી થતું. પ્રેમ હોય કે ઝગડો હોય તેની પૂર્ણતા માટે ઓછામાં ઓછી બે વ્યક્તિ હોવી જરૂરી છે.
એક યુવતિએ કહ્યું મારા પતિ મને ખૂબ પ્રેમ કરે છે, અનહદ પ્રેમ કરે છે પણ મને હવે આ વધારે પડતા પ્રેમથી ગુંગળામણ થાય છે. મારે ખુબ ઝગડવું છે પણ હુ જેટલીવાર ઝગડો કરવાનો પ્રયત્ન કરૂ એટલી વાર એ સામેથી મારી માફી માંગી લે છે મારી સાથે ઝગડતા જ નથી.
પતિ પ્રેમ નથી કરતા એવી અનેક પત્નીની ફરિયાદ હોય છે. પણ મારા પતિ ઝગડો નથી કરતા એવી ફરિયાદ જવલ્લે જ સાંભળવા મળે છે.
દાંમ્પત્ય જીવનમાં પ્રેમ પણ જરૂરી છે અને ઝગડો પણ જરૂરી છે. જેમ જમવામાં એકલુ ગળપણ રોજ નથી ભાવતું એમ ક્યારેક પતિ-પત્ની વચ્ચે ઝગડો થાય તો તેમાં કશું અસ્વભાવિક નથી. માત્ર ઝગડો કર્યા પછી બધુ ભુલી જવાનું હોય છે. ખાસ કરીને અબોલા તો ક્યારેય ન રખાય.અબોલા એ દામ્પત્ય જીવનમાં ન સંધાય તેવી તિરાડ પાડે છે.
પતિ દેવોએ પત્નીના ગમા- અણગમાને જાણતા શીખવું જોઇએ. આધુનિક યુવક-યુવતિ અને દંપતિઓમાં આ વાત ખાસ લાગુ પડે છે. પત્નીની લાગણીને અને માંગણીને જે પતિ ઓળખી શકે છે એતું દાંમ્પત્ય જીવન સૌથી શ્રેષ્ઠ છે. સ્ત્રીના બોલયેલા કે ન બોલાયેલા શબ્દો કરતા એનો ભાવ વધુ મહત્વનો છે.
તમે તમારી પત્ની સાથે ઝગડો ન કરતા હોય તો તે સૌથી શ્રેષ્ઠ બાબત છે. પણ જો ઝગડો થઇ જતો હોય તો એકબીજાને સામેથી બોલાવી લેજો. અબોલા તો ન જ રાખતા પ્રેમની મધુર મીઠાશ વચ્ચે ક્યારેક ઝગડા પણ જરૂરી છે પણ એ પણ મીઠા જ હોવા જોઇએ. તો જિંદગી જીવવા જેવી લાગશે ગેરેંટીથી...
બ્રેક ફાસ્ટ :
દર્દી : ડોક્ટર સાહેબ મને બહુ તકલીફ છે મને સવારે છ વાગે જુલાબ સાફ થઇ જાય છે.
ડોક્ટર : અરે પેટ સાફ થાય છે એ તો સારૂ એમાં તકલીફ શું છે ?
દર્દી : પરંતુ ડોક્ટર સાહેબ મારી ઊંઘ સવારે નવ વાગે ઊડે છે અને જુલાબ સવારે છ વાગે...
(પ્રેષક : ડૉ.સાબિર વરતેજી (ભાવનગર)