ત્રણ-ત્રણ વર્ષથી ગ્રાન્ટ ફાળવાઇ હોવા છતાં કામ શરૂ થતું નથી !
તળાજામાં હાઇવે પર નવા કોર્ટ બિલ્ડિંગ માટે જમીન ફાળવી દેવાઇ હોવા છતાં છેલ્લા ત્રણેક વર્ષથી આ બાબતે કોઇ કાર્યવાહી હાથ ધરવામાં ન આવતી હોવાથી લોકોમાં રોષ વ્યાપેલો છે. આ ઉપરાંત મામલતદાર કચેરીનું નિર્માણ પણ સત્વરે હાથ ધરાય તેવી લોકોની લાગણી છે.
તાજેતરમાં તળાજા મામલતદાર કચેરીમાં નવા અધ્યતન બિલ્ડિંગની ખાતમુહૂર્ત વિધી કરવા મહેસુલ તેમજ માર્ગ-મકાન મંત્રી આનંદીબેન પટેલ આવ્યા ત્યારે તેઓ જાહેર સંબોધન કરે ત્યારે નદીનાં સામા કાંઠે હાઇવે નજીક જ્યાં મામલતદાર કચેરી થવાની છે. તેની અડોઅડ નવા કોર્ટ બિલ્ડિંગની કાર્યવાહી જે વિલંબમાં પડેલ છે. તે અંગે વિધાયક પ્રતિભાવ આપશે તેવી લોકોની અપેક્ષા હતી પણ તે વરસાદી પવનથી ધરાશયી થયેલ શમીયાણાને કારણે કાર્યક્રમ બંધ રહેતા બર આવી શકી નહીં.
તળાજા વકીલ મંડળ વતી મંત્રી ભાવેશભાઇ જાનીએ આ કાર્યક્રમ અગાઉ આનંદીબેન પટેલ સમક્ષ ફેકસથી વિગતે રજૂઆત કરી જણાવેલ કે ત્રણ વર્ષ પહેલા હાઇવે નજીક જિલ્લા કલેક્ટર દ્વારા જાન્યુ. ૨૦૦૭માં સૂચિત ન્યાય સંકુલ માટે જમીન ફાળવાયા બાદ તેનાં બાંધકામ માટે ગ્રાન્ટ ફાઇવાયેલ અને પ્લાન, એસ્ટીમેન્ટ બાદ પણ કોર્ટ સંકુલની કાર્યવાહી શરૂ કરાઇ નથી. આ બાબતે પત્ર તથા રૂબરૂ રજૂઆત તથા કાયદામંત્રીને પણ ફેકસથી રજૂઆત થયેલ હોવા છતાં કોઇ કારણસર અધ્યતન સંકુલનું નિર્માણ કાર્ય હજુ શરૂ થઇ શકેલ નથી.
આ બાબતે સંબંધિત તંત્ર વહેલીતકે ઘટતી કાર્યવાહી પૂર્ણ કરી મામલતદાર કચેરી અને ન્યાયકોર્ટનાં બિલ્ડિંગનું વહેલીતકે નિર્માણ ચાલુ થાય તેવી તળાજા શહેર તાલુકાની જનતાની આમ લાગણી વ્યક્ત કરી છે.