બિઝનેસમાં કોઈ કાયમી મિત્ર નથી હોતો અને કોઈ કાયમી દુશ્મન નથી હોતો. વિકાસમાં કોણ ? કેવી રીતે ઉપયોગી થાય છે તે જ મહત્વનું છે.
મેનેજેમેન્ટ ગુરુઓનુ માનવુ છે કે ધંધામાં પ્રગતિ કરવી હોય તો પૂર્વ ગ્રહ કે અહંને સ્થાન ન હોવું જોઈએ. કોઈ વ્યક્તિ ઉપયોગી હોય પણ માત્ર પૂર્વ ગ્રહને કારણે તેની સાથે વ્યવહાર ન કરીએ તો ધંધાનો વિકાસ અટકે છે.
સંસારમાં પણ અહંને કારણે સંબંધોમાં તિરાડ પડે છે. જિંદગી ક્રિકેટ મેચની જેમ ખેલદીલીપૂર્વક જીવવી જોઈએ.
એક યુવતીએ કહ્યુ કે, ‘પતિ-પત્નીએ એકબીજાને સમજવા જોઈએ પણ મારા પતિમાં એટલો બધો અહં છે કે મને તેની સાથે વાત કરવાનું જ મન નથી થતું. મારા સાસરીયામાં પણ અન્ય સભ્યો અહંકારી અને જીદ્દી છે. મારે એ લોકોનું કામ નથી. કારણ કે હું મારા પતિ સાથે અલગ રહેવા ચાલી જવાની છું પણ મારા પતિનો અહં ઓગાળવા માટે શું કરવું ?’
સંસારમાં પતિ-પત્ની એકબીજાને સમજી શકે તે મહત્વનું છે. એકબીજાને સમજવા માટે અહં અને જીદ એ બે અવગુણોને તિલાંજલી આપવી જ પડે.
ઘરમાં તો મારૂ જ ચાલે એમ કહેનારા પતિદેવો એમનો અહં ભલે પોષતા હોય પણ પત્નીનો પ્રેમ પ્રાપ્તકરી શકતા નથી.
ક્રિકેટની રમતમાં જે રીતે ખેલદીલીનું મહત્વ છે તે જ રીતે જિંદગી પણ ખેલદીલીપૂર્વક જીવવી જોઈએ. પત્ની એ તમારી જીવનસાથી છે તાબેદાર નહીં. તેના સન્માનનું પણ ગૌરવ કરો તો આપોઆપ તમને તેના પ્રેમનો અમૂલ્ય ખજાનો મળી જશે.
જતુ કરવાની ભાવના બન્ને પક્ષે હોવી જોઈએ. જો કુટુંબના સભ્યો પ્રત્યે રાગદ્વેષ કે પૂર્વગ્રહ રાખો તો પરિવારમાંથી શાંતિ દેશવટો લઈ લેશે.
ઘરની શાંતિનો આધાર પુરૂષો કરતા પણ વિશેષ મહિલાઓ ઉપર છે ત્યારે મહિલાઓમાં સહિષ્ણુતાની ભાવના વધારે હોવી જોઈએ.તમારો હકારાત્મક સ્વભાવ જ તમારા જીવનમાં ખુશીઓનો ખજાનો લાવશે.
પતિના અહંને ઓગાળવો તે પત્ની માટે ચેલેન્જ પણ છે અને મહિલાઓમાં કુદરતી શક્તિ પણ છે કે તેઓ લાગણી દ્વારા પતિને પોતાનો કરી શકે છે.
તમે જીવનમાં પતિ સાથે, કુટુંબ સાથે કે પડોસીઓ સાથે ખેલદીલીપૂર્વક રહેતા જ હશો પણ જો એમ ન રહેતા હો તો આજથી જ શરૂ કરી દયો. ઈન્ડિયાની ટીમ વર્લ્ડકપ જીતે એ પહેલા તમે ‘લાઈફ-કપ’ જીતી જશો ગેરેંટીથી...
બ્રેક ફાસ્ટ:
સૂર્ય અને પત્ની વચ્ચે શું સામ્યતા છે ?
એ જ કે બેમાંથી એક પણ સામે તમે આંખ ઉઠાવીને જોઈ ન શકો...
(પ્રેષક : અદિતી શુક્લ (ભાવનગર)