તળાજાનાં કંઠાળ વિસ્તાર અને શેત્રુંજી નદી અને નહેર કાંઠા ઉપરાંત ઘાંસની વીડી તથા ગીરીમાળમાં તાજેતરમાં સિંહ પરિવારો દેખા દઈ સીમ વાડીઓમાં રઝળતા પશુઓનું ભક્ષણ કરીને તેમજ ક્યારેક પાલતુ માલઢોરનો શિકાર કરીને સ્થાયી થઈ ગયા છે. જેનાં કારણે સીમમાં ખેતી કરતા ખેડૂતો, મજુરો તેમજ પશુપાલકો સતત ભયનાં ઓથાર હેઠળ રહ્યા કરે છે. જેમાં તાજેતરમાં ગારીયાધાર નજીક વનરાજાનાં આંતકથી હવે રાત્રીના સીમવાડીઓ-સુમસામ થઈ રહી છે.
સાંજણાસર અને કુંઢડાની ગેરબર વીડીથી તળાજા-મહુવાનાં સમુદ્રકાંઠાની બાવળની કાંટા, વનવિભાગનાં ઘાંસિયા વિસ્તાર તથા શેત્રુંજી નદી તેમજ નહેર કાંઠા અને ખોખરા અને ભંડારીયાની ડુંગરમાળ આસપાસનાં જળસ્ત્રોત નજીક સ્થાયી થઈ આ એરિયામાં રઝળતા રોઝડા, સાબર, સુવર, શિયાળ, ભુંડ, કુતરા સહિત વગડાનાં પ્રાણીઓ જાનવરોનો પણ શિકાર કરે છે.
વનવિભાગ દ્વારા સામાજિક વનીકરણ યોજના હેઠળ બૃહદગીરની સ્થાપના કરી તેમાં વિચરતા વન્ય જીવન સાથે સ્થાનિક લોકોએ સહજ, સહુ અસ્તિત્વ કેળવવા અનુરોધ કરાય છે.પરંતુ આ હેતુ માટે કંઠાળ અને ખરાબાની પડતર જમીનોનો સબંધીત વિભાગો વચ્ચે સમન્વય સાધી અભ્યારણ્ય સ્થાપિત કરવામાં આવે તો કેવું સારૂં ?
ગોહિલવાડને મીની ગીર તરીકે ગૌરવ મળી શકે છે...
‘એશિયાટીક લાયન’ તરીકે જગ વિખ્યાત, શક્તિ અને ઓજસનાં મહાસ્ત્રોત એવા સિંહોનું કાઠીયાવાડમાં પ્રાકૃતિક સંવર્ધન થઈ રહ્યું છે.એપ્રીલ-૧૦ની ગણનામાં ભાવનગર જિલ્લામાં સ્થાયી સિંહોમાં તળાજા વિસ્તારમાં સાત સિંહોનો વસવાટ નોંધાયો હતો. યોજનાબદ્ધ રીતે અભ્યારણ્ય સ્થાયી-સાનુકુળતા કરવામાં આવે તો ગોહિલવાડને ‘‘મીની ગીર’’નું ગૌરવ મળી શકે તેમ છે.