શ્રમજીવી પિતાની નજર સામે ઘરમાં ઘૂસી જઈ મચાવ્યો આતંક
ભરતનગરમાં બે માથાભારે શખ્સોએ બે દિવસ સુધી યુવતીને હેરાન કરી ગોંધી રાખી
પોલીસમાં જાણ નહીં કરવા પણ ધમકી આપી
શહેરના ભરતનગર વિસ્તારમાં એક શ્રમજીવીની જુવાન પુત્રીને તેના નાના ભાઈને મારી નાખવાની ધમકી આપી બે માથાભારે શખ્સો દિવાળીના દિવસો દરમિયાન તેના ઘરેથી જ ઉપાડી ગયા હોવાની અને બે દિવસ બાદ આ યુવતિનો છુટકારો થતાં હાહાકાર મચી ગયો છે.
ભરતનગર વિસ્તારમાં લુખ્ખી દાદાગીરી, પૈસા પડાવવા જેવા બનાવો લોકો મને-કમને સહન કરતાં આવ્યાં છે પણ તાજેતરનો બનાવ તો આંખ ઉઘાડનારો અને હદ બહારનો બન્યો છે.
આ અંગે મળતી વિગત મુજબ ભરતનગરમાં રહેતી અને હીરાના કારખાનામાં કામ કરતી એક યુવતિની પાછળ છેલ્લા કેટલાક સમયથી બે માથાભારે શખ્સો પડી ગયા હતા. વારંવાર તેને રસ્તા વચ્ચે રોકતા હતા. ઘરે જઈને પણ હેરાન કરતાં હતા. પણ મજબૂરીને કારણે યુવતિ કશું બોલતી ન હતી.
પણ દિવાળીના દિવસોમાં આ બન્ને શખ્સો તે યુવતિના ઘરે જઈ પહોંચ્યા હતા અને ઘરમાં રમતા તેના નાના ભાઈની સામે આંગળી ચિંધી ‘‘તું અમારી સાથે નહીં આવ તો તારા આ ભાઈને મારી નાખીશું’’ એમ ધમકી આપી યુવતિને તેના પિતાની હાજરીમાં જ ઉઠાવી ગયા હતાં અને બે દિવસ પછી યુવતિને ઘરે પાછી મુકવા આવ્યા ત્યારે ‘પોલીસને જાણ કરશો તો કોઈને જીવતા નહીં મુકીએ અને હવે અમે જ્યારે કહીએ ત્યારે આને મોકલજો’ એવી ધમકી આપતા ગયા હતાં.
આવા માથાભારે શખ્સોને તાત્કાલીક કાબુમાં લેવામાં નહીં આવે તો લોકોને આ શહેરમાં રહેવું પણ મુશ્કેલ બની જશે પોલીસ તંત્ર આ બનાવમાં જવાબદારોને પકડી દાખલારૂપ પગલાભરે તેવી લોકગાણી છે.