વાંચી દંગ ના રહી જતાં, 'જીના ઇસી કા નામ હૈ'

- રોજગારી માટે રાજસ્થાનથી આવતા પરિવારો ચોમાસામાં ડાલ્ડા અને રૂપેણબંદરે ધામા નાખે છે
ઓખામંડળના માછીમારી બંદરો પર હવે માચ્છીમારીની સીઝન પુરી થઇ છે. પરંતુ અહીં એક નવી સીઝનનો પ્રારંભ થયો છે. રાજસ્થાનથી આવેલા કેટલાંક પરિવારોએ તૂટેલી અને નકામી બની ગયેલી પ્લાસ્ટીકની માચ્છીમારીની જાળનાં રેસામાંથી જાડા રસ્સા અને નાળા બનાવી આ પરિવારો અહીં રોજગારી મેળવી રહયા છે.
જ્યારે એક રસ્તો બંધ થાય છે. ત્યારે કુદરત બીજો રસ્તો ખોલી આપે છે. જરૂર હોય છે માત્ર એ રસ્તો શોધવાની દ્રષ્ટિની. ઓખા મંડળના ડાલ્ડા અને રૂપેણબંદરે ચોમાસુ આવતાં જ માચ્છીમારીનો વ્યવસાય થંભી જાય છે. અહીં સર્વત્ર સુનકાર વ્યાપી જાય છે. પરંતુ આ સુનકારમાંથી જ અન્ય એક રોજગારીની તક ઉભી થાય છે અને તે છે નકામી બનેલી માચ્છીમારીની જાળમાંથી અન્ય ઉપયોગી વસ્તુ બનાવવાની.
રાજસ્થાનથી આવતાં કેટલાંક પરિવારો ચોમાસા દરમિયાન અહીં ધામા નાંખે છે. તેઓ માચ્છીમારો પાસેથી નકામી બની ગયેલી પ્લાસ્ટીકની માછીમારી જાળ વજનના ભાવે ખરીદી લે છે. તેના રેસા અલગ કરી તેને ગુંથીને તેમાંથી બોટનાં નાળા, રસ્સા બનાવી તેને વેંચે છે અને તે દ્વારા રોજગારી મેળવે છે. આ વ્યવસાયમાં પુરૂષો સાથે સ્ત્રીઓ અને બાળકો પણ હાથ બટાવે છે. બેરોજગારીની સમસ્યાનો સામનો કરતી સરકારો આવી વિચરતી જાતિનાં લોકો માટે કોઇ યોજના અમલમાં લાવે તો રોજગારીનાં નવા માધ્યમને માન્યતા મળી શકે.






