સાવરકુંડલાના કૃષ્ણગઢ મિતિયાળા રોડ નજીક આજે સાંજના સુમારે યુટીલીટી જીપ અને મોટર સાઇકલ વચ્ચે અકસ્માત સર્જાતા એકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે એકને ગંભીર ઇજા પહોંચતા સાવરકુંડલા દવાખાને ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગત અનુસાર સાવરકુંડલા તાલુકાના મિતીયાળા ગામે રહેતા અને ખેતીકામ કરતા બટુકભાઇ નનુભાઇ લલીયા (ઉ.વ.૪૫) તેમજ દેવાભાઇ નાનજીભાઇ ચાવડા (ઉ.વ.૩૫) પોતાનું મોટર સાઇકલ લઇને આંબરડી ગામે ખરીદી કરવા ગયા હતા. અને પરત મિતિયાળા ફરી રહ્યાં હતા ત્યારે સાંજના ચારેક વાગ્યાના સુમારે કૃષ્ણગઢથી પુરપાટ ઝડપે આવી રહેલી યુટીલીટી જીપે મોટર સાઇકલને હડફેટે લેતા બટુકભાઇને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
જ્યારે દેવાભાઇ નાનજીભાઇ ચાવડાને પગમાં ઇજા થતા સારવાર માટે સાવરકુંડલા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા છે. આ બારામાં સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હાઇવે માર્ગો પર પૂર ઝડપે દોડતા વાહનો પર પોલીસનો દાબ ન હોવાથી નિદોર્ષોનો ભોગ લેવાય છે.