- ભાવનગરને ૧૯૦૦ કરોડની ભેટ
- પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી મોદીએ વિવિધ વિકાસ કાર્યો માટે જાહેર કરેલું પેકેજ
- નવા માઢિયામાં ૨૩૦૦ હેક્ટરમાં કંઈ બનશે
- ૧૭૫ કરોડના ખર્ચે મરીન શિપ બિલ્ડિંગ પાર્ક વિકસાવાશે
- ભાવનગર શહેર, જિલ્લા અને નગરપાલિકાઓને ૧-૧ કરોડની તત્કાળ ભેટ
રાજ્યકક્ષાની પ્રજાસત્તાક દિનની ઉજવણીની પૂર્વસંધ્યાએ શહેરના જવાહર મેદાનમાં યોજાઇ ગયેલા ‘ભાવસભર ભાવનગર’ કાર્યક્રમ દરમિયાન વિકાસ દ્રષ્ટા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભાવનગરના વિકાસ માટે ૧૯૦૦ કરોડના જંગી પેકેજની ઘોષણા કરી છે. ઉપરાંત ભાવનગર યુનિવર્સિટીને ‘મહારાજા કૃષ્ણકુમારસિંહજી’નું નામાભિધાન કરવાની પણ જાહેરાત કરી છે.
આજના રંગદર્શી સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાવનગર શહેરના કલાકારોએ અદ્દભૂત કલાનું દર્શન કરાવ્યું હતું. જેમાં નૃત્ય, ગીત, સંગીત સહિતના કાર્યક્રમોએ ભાવેણાવાસીઓને ડોલાવ્યા હતા. ભાવનગરના રાજવી પરિવારની પ્રજા વત્સલતા, ન્યાયપ્રિયતાને વણી લેવાયા હતા.
આજે સાંજે જવાહર મેદાનમાં ‘મેગા ઈવેન્ટ’ કાર્યક્રમમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ભાવનગર પર બરાબરના વરસ્યા હતા અને અનેકવિધ વિકાસલક્ષી યોજનાઓની ભાવેણાને ૬૩માં પ્રજાસત્તાક પર્વની પૂર્વ રાત્રિએ ભેટ આપી પોતે ભાવનગર માટે વિકાસનું વાવાઝોડુ લઈને આવશે તે બોલીને પાળી બતાવ્યું હતું.
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભાવેણાના મહારાજા કૃષ્ણકુમારસિંહજીની હાલ ૧૦૦મી જન્મજયંતિની ઉજવણી શરૂ છે ત્યારે લાંબા સમયથી ભાવનગર યુનિ.ને તેમના નામ સાથે જોડવાનો પડતર પ્રશ્ન ઉકેલી ભાવનગર યુનિ.ને મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું નામ આપવાની જાહેરાત કરી હતી. તો શિપબિલ્ડીંગ ક્ષેત્રે વિશ્વમાં નામના મેળવી રહેલા ભાવનગરને જુના બંદરે મરિન શિપ બિલ્ડીંગ પાર્ક માટે રૂ.૧૭૫ કરોડની જાહેરાત કરી હતી.
આ ઉપરાંત નવા માઢિયા વિસ્તાર જે હજુ સુધી વિકાસ વંચિત રહ્યો છે ત્યાં ૨૩૦૦ હેકટર જમીન પર જીઆઈડીસી સ્થાપવાની પણ જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સ્થળ પર જ ભાવનગર શહેરને રૂ.૧ કરોડ, ભાવનગર જિલ્લાને રૂ.૧ કરોડ અને ભાવનગર જિલ્લાની નગરપાલિકાઓને સ્થળ પર રૂ.૧ કરોડ રોકડા આપવાની જાહેરાત કરી હતી.
વિકાસલક્ષી જાહેરાતોનો પટારો
ભાવનગર માટે જાણે વિકાસલક્ષી જાહેરાતોનો પટારો લઈને આવ્યા હોય અને રાત્રે ભાવેણા માટે ખોલતા હોય તેમ વધુ એક જાહેરાતમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે એક વર્ષમાં ભાવનગર જિલ્લાને વિકાસ કાર્યો માટે રૂ.૧૯૦૦કરોડ આપવામાં આવશે. જેમાં ભાવનગર બંદર ઉપર ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા રૂ.૧૭૫ કરોડના રોકાણથી ભાવનગર ખાતે મરીન શીપ બિલ્ડીંગ પાર્ક સ્થપાશે તો કુંભારવાડા નવા માઢિયામાં જીઆઈડીસીની ઔધ્યોગિક વસાહત ૨૩૦૦ હેકટરમાં શરૂ કરાશે.
જેમ્સ એન્ડ જવેલરી પાર્ક સ્થપાશે...
જ્યારે વિકટોરીયા પાર્કનો રમણીય પર્યટન સ્થળ તરીકે વિકાસ કરવાનો પુનરોચ્ચાર કરાયો હતો તો આવી જ રીતે જહાંગીર વકીલ મીલની કબજે લીધેલી જમીન ઉપર ૧૫ એકર વિસ્તારમાં જેમ્સ એન્ડ જવેલરી પાર્ક સ્થપાશે તેવી જાહેરાત કરાઈ હતી.
ભાવનગર જિલ્લામાં રૂ.૧૯૦૦ કરોડના નવા વિકાસ આયોજન કાર્યો હાથ ધરાશે જેમાં નર્મદા-મહી પાઈપલાઈન આધારીત નાવડાથી બુધેલ સુધી ૭૬ કિલોમીટર લાંબી પાઈપલાઈન પાણી પુરવઠા યોજનામાં જિલ્લાના ૧૬ શહેરો અને ૧૧૭૬ ગામોનો સમાવેશ કરાશે. તો રૂ.૪૯૪ કરોડના ખર્ચે ગારીયાધાર અને ભાવનગર શહેરની પાણી પુરવઠા યોજનાઓની જાહેરાત કરાઈ હતી.
મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના અંતર્ગત ૬ નગરપાલિકાઓમાં ગટર, પાણી પુરવઠા તેમજ ભાવનગર શહેર અને મહુવામાં ગરીબો માટે આવાસની જાહેરાત કરાઈ હતી. તો નવા વીજ સબસ્ટેશનો, કિસોનોને નવા વીજ જોડાણ, પાંચ શહેરોમાં વીજ વિતરણ સુધારાની જાહેરાત કરાઈ. નર્મદા શાખા નહેરો દ્વારા વલભીપુર, બોટાદ અને લીંબડીને આવરી લેતા ૯૨ ગામોની રૂ.૧૨૪ કરોડના ખર્ચવાળી ૬૫ હજાર ૩૦૦ હેકટર જમીનની સિંચાઈની જાહેરાત કરાઈ હતી.
આઈ.ટી.આઈ.નું અપગ્રેડેશન...
ભાવનગર જિલ્લામાં રૂ.૪૯૪ કરોડના ખર્ચે માર્ગ વિકાસ આધુનિકકરણ કરાશે તો ૧૫ કરોડના ખર્ચે નદીઓ પર ૨૦૦ મોટા ચેકડેમ બંધાશે. રૂ.૮૫ કરોડના ખર્ચે ભાવનગર બંદર જેટી સુધારણા અને અલગ બંદરનું આધુનિકીકરણ થશે રૂ.૩૦ કરોડના ખર્ચે ભાવનગર સહિત જિલ્લામાં આઈ.ટી.આઈ.નું અપગ્રેડેશન થશે.
રૂ.૧૫૬ કરોડના ખર્ચે જિલ્લામાં કૃષિનું આધુનિકીકરણ અને વિકાસ કરાશે. રૂ.૨૧.૫૦ કરોડના ખર્ચે ગ્રામ પંચાયતો માટે વિકાસ કરવામાં આવશે તો ૨૪.૫૦ કરોડના ખર્ચે તાલુકા જન સેવા કેન્દ્ર અને ગ્રામ સેવા વિકાસના કાર્યો થશે. તેવી જાહેરાત કરાઈ હતી. આમ કુલ રૂ.૧૯૦૦ કરોડના પેકેજની ભાવનગરને ભેટ આપવામાં આવી હતી.
બોટાદમાં સિંચાઈ માટે ૨૨૩ કરોડની યોજનાની જાહેરાત
આજે મુખ્યમંત્રીએ જિલ્લાના વિકાસ માટે કરેલી જાહેરાતમાં બોટાદના ગોમા-સુખભાદર ડેમ અને કૃષ્ણસાગર તળાવને સાંકળતી નર્મદા કેનાલ શાખા દ્વારા પાઈપલાઈનથી બોટાદ તાલુકામાં ૮૬૦૦ હેક્ટરમાં સિંચાઈની સુવિધા માટે રૂ.૨૨૩ કરોડની યોજનાની જાહેરાત કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીની મીઠી ટકોર...
મુખ્યમંત્રી આવવાના હોય છેલ્લા ૧ મહિનામાં ભાવનગરમાં વિકાસના જે કાર્યો ઝડપી થયા છે અને શહેર સ્વચ્છ થયું છે તે જોતાં ઘણા ટકોર કરે છે કે મુખ્યમંત્રીએ દર મહિને ભાવનગરમાં એક વખત આવવું જોઈએ આ અંગે મીઠી ટકોર કરતા જણાવ્યું હતું કે, જેમ મારી તો ઈચ્છા છે પણ ભાવનગરના લોકોની વિકાસ અને સ્વચ્છતા જેવા મુદ્દે જવાબદારી છે અને તે તેમણે સમજવી જોઈએ.
કરોડોના કામો ગણતરીના દિવસોમાં પતાવ્યા...
સામાન્ય રીતે સરકારી કાર્યપદ્ધતિમાં ફાઈલ કે કાગળના નિકાલમાં વાર લાગે છે પરંતુ તાજેતરમાં સરકારે ગણતરીના દિવસોમાં વિકાસના કાર્યો ઝડપભેર પતાવ્યા છે જેમાં ૧૪૦ કરોડના ખર્ચના કામોના લોકાર્પણ થયા તો રૂ.૫૫ કરોડના ખર્ચે નવા કામ શરૂ કરાયા. જ્યારે રૂ.૪૨૪ કરોડના ખર્ચે નવા આયોજનો પણ ઘડવામાં આવ્યા છે તેમ નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું.