વિજ્ઞાનમાં બાળકોની અભિરૂચી વધે તે હેતુથી સાયન્સ સિટી શરૂ થયા બાદ આગળનું આયોજન
ભાવનગર શહેરમાં સાયન્સ સિટી તો છે જ હવે આગામી દિવસોમાં ભાવનગર સહિત રાજ્યના ચાર શહેરોમાં સાયન્સ મ્યુઝિયમનું નિર્માણ થશે. આ ચાર સ્થળોમાં ભાવનગર, રાજકોટ, ભુજ અને વડોદરાનો સમાવેશ થાય છે અને આ માટે રાજ્ય સરકારે રૂ.૨૨ કરોડની ફાળવણી પણ કરી દીધી છે.
ભાવનગરમાં કરોડો રૂપિયાના ખર્ચે સાયન્સ સિટી શરૂ થઇ ગયા બાદ હવે આગામી પ્રોજેક્ટમાં સાયન્સ મ્યુઝિયમ ભાવનગરમાં શરૂ કરવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. ભાવનગ, વડોદરા, ભુજ અને રાજકોટ આ ચાર સ્થળો માટે તત્કાલ અસરથી રાજ્ય સરકારે ગુજકસ્ટને રૂ.૨૨ કરોડની રકમ ફાળવી છે. ભાવનગર સહિત આ ચારેય શહેરોમાં સાયન્સ મ્યુઝિયમ માટે જમીન શોધવાનું કાર્ય શરૂ છે.
આ સાયન્સ મ્યુઝિયમમાં આકાશ દર્શન માટે પ્લેનેટોરિયમથી માંડી ડાયનોસર જેવા અનેક આકર્ષણો હશે. આ ઉપરાંત વિજ્ઞાન અને સંશોધનમાં બાળકોને રૂચિ જાગે તે હેતુથી અનેક પ્રયોગો મુકવામાં આવશે.
આ સાયન્સ મ્યુઝિયમ સ્થાપવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં મુખ્ય સલાહકાર તરીકે દેશના ખગોળ ક્ષેત્રના ટોચના નિષ્ણતા અને ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટીના અધ્યક્ષ ડૉ.જે.જે.રાવળની નિયુક્તિ કરી દેવામાં આવી છે.