અમિત જેઠવાનાં પિતા ભીખુભાઇએ સાંસદ દીનુ બોઘા સોલંકી તરફથી જીવનું જોખમ હોવા અંગેનું સોગંદનામું કર્યું છે. ત્યારે ખાંભા તાલુકાનાં રબારિકા ગામનાં પટેલ યુવાને તેનાં સાસરિયાંઓ દ્વારા પણ સાંસદનાં પીઠબળનાં જોરે જાનથી મારી નાંખવાની ધમકી અપાતી હોવાનું સોગંદનામું કર્યું છે.
ખાંભા તાલુકાનાં રબારિકા ગામનાં વતની અને હાલ સુરતનાં પુણા ગામે રહેતા ચેતન માવજીભાઇ રાદડીયાએ સોગંદનામું કર્યું છે. જેમાં તેણે પોતાની જ જ્ઞાતિની અને પાડોશમાં રહેતી નમ્રતા વૃજલાલ સેંજલિયા સાથે ૨૨ નવે. ૨૦૦૮ નાં રોજ નાસી જઇને પ્રેમ લગ્ન કર્યા બાદ પોતાનાં સાસરા પક્ષનાં પ્રેમજી રણછોડભાઇ સેંજલિયા સહિતનાં ૧૩ શખ્સો દ્વારા પોતાનાં પિતા માવજીભાઇ, માતા કંચનબેન અને ભાઇને માર મારવામાં આવ્યાનું જણાવ્યું છે.
જો કે, એ વખતે પોલીસે એફ.આઇ.આર. માં તો ૪ જ વ્યક્તિનાં નામો આરોપી તરીકે દર્શાવ્યાં હતાં. તેઓની સામે કલમો પણ હળવી લગાડી હતી. આ અંગે અમરેલીનાં એસ.પી. ને પાંચ વખત લેખિત ફરિયાદ કરવા છતાં રાજકીય વગનાં જોરે પોલીસે આરોપીઓને છાવર્યા હતા.
સોગંદનામામાં એવો ચોંકાવનારો આક્ષેપ પણ કરાયો છે કે પોતાને સુરતમાં ઘેર આવીને ધમકી આપી જનાર મેહુલ પ્રવિણભાઇ સેંજલિયા, મનોજ ત્રિકમભાઇ સેંજલિયા અને લાખાભાઇ બાવભાઇ સેંજલિયા જૂનાગઢ જિલ્લાનાં સાંસદ દીનુભાઇ સોલંકી અને ઉના તાલુકાનાં હરમડીયાનાં બાબુભાઇ કુંભાણીનાં સંબંધી હોઇ તેઓએ ત્રણેયને કહ્યું હતું કે, ચેતનનું મર્ડર કરી નાંખો અને ગુજરાત બહાર જતા રહો. હું તમને પાંચ લાખ રૂપિયા આપીશે.
આથી મેહુલ, મનોજ અને લાખાએ ચેતનને એવી ધમકી આપી હતી કે, તારા હાથપગ કાપી નાંખીશ. અને નમ્રતા તને ઘેર બેઠાં બેઠાં ખવરાવશે.
અમે રબારિકા ગામનાં સેંજલિયા છીએ. ધારીએ તે કરી શકીએ. અંતમાં જો પોતે કે પોતાનાં પરિવારનાં સભ્યોની હત્યા, અકસ્માતે મોત કે જીવલેણ હુમલો કરાવે તો તમામ જવાબદારી સાંસદ દીનુ બોઘા સોલંકી, બાલુભાઇ કુંભાણી, પ્રેમજીભાઇ સેંજલિયા, મેહુલ પ્રવિણભાઇ સેંજલિયા અને મનોજ ત્રિકમભાઇ સેંજલિયાની રહેશે એમ પણ સોગંદનામામાં જણાવ્યું છે.