મતદાન માટે જ નહીં પરંતુ આધાર અને પુરાવા માટે મહત્વના ગણાતા ચૂંટણી ઓળખ કાર્ડ કઢાવવા વહીવટી તંત્ર લાંબા સમયથી ઝુંબેશ ચલાવી રહ્યું છે. પરંતુ હવે તંત્ર વાહકોને જ તાલીમ આપવાની ઝુંબેશ ચલાવવી પડે તેવી હાલત સર્જાઇ છે. આટલી ઝુંબેશના અંતે પણ ચૂંટણી ઓળખ કાર્ડમાં ગંભીર ક્ષિતઓમાં માતાને પિતા અને પિતાને માતા બનાવી દેવામાં આવ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા અવાર-નવાર મતદાર યાદી સુધારણા અને એપિક કાર્ડની ઝુંબેશ ચલાવે છે. પરંતુ કાર્ડમાં મતદારોએ દર્શાવેલા સુધારા જ થતાં નથી. તાજેતરમાં મતદાર યાદી સુધારણા યાદી યોજાઇ હતી. આ કાર્યક્રમમાં પણ ૭૬૮૬૦ નવા નામો નોંધાયા હતા, જ્યારે ૨૫૯૯૨ નામ કમી કરવાના આવ્યા હતા, જ્યારે ૧૧૦૮૭ સુધારા અને ૧૪૮૨ એક ભાગમાંથી બીજા ભાગમાં નામ ફેરફારના ફોર્મ ભરાયા હતા.
આ પૈકી જ અનેક મતદારોએ અગાઉ પણ નામ, સરનામા, ઉમંર , ફોટો સહિત સુધારણા માટે દરખાસ્ત કરી હતી. પરંતુ તેઓના પણ એપિક કાર્ડમાં સુધારા નહીં થતાં અંતે ફરી વખત ફોર્મ ભરવા પડ્યા છે. તંત્ર વાહકોની બેદરકારીના લીધે મહત્વના આધાર-પુરાવા ગણાતા ઓળખકાર્ડમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
કેસ નં.૧
ભાવનગર શહેરના વડવામાં રહેતા જયોત્સના બેનના કાર્ડમાં માત્ર આ બહેનનો ફોટો જ સાચો છે બાકીની સરનામા સહિતની તમામ વિગતો અન્ય કાર્ડની ઝિંકી દેવામાં આવી છે. કાર્ડ બીજાનું અને ફોટો પણ બીજાનો.
કેસ નં.૨
મહુવા શહેરમાં રહેતા હર્ષલ શાહના કાર્ડમાં કિર્તીભાઇના કિતીભાઇ, જન્મ તારીખ જ ગૂમ થઇ ગઇ છે.માત્રને માત્ર સાલ જ છપાઇ છે. નવાઇની વાત તો એ છે કે આ કાર્ડમાં માતાનું નામ પણ છપાયું છે.