સાયલા નેશનલ હાઇવે પર ગૃહમંત્રીની પાયલોટિંગની એક કાર પાછળ ઇન્ડિગો કાર ધડાકાભેર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ચાર વ્યક્તિને સામાન્ય ઇજા થઇ હતી.
જામનગરના સિદસર ખાતે ચાલી રહેલા પાટીદાર મહોત્સવમાં જતા ગૃહ રાજ્યમંત્રી પ્રફૂલ્લભાઇ પટેલની સાથે કારનો કાફલો પણ જઇ રહ્યો હતો ત્યારે નેશનલ હાઇવે ૮-અ પર ડોળિયા બાઉન્ડ્રી નજીક ગૃહમંત્રીના સુરક્ષા કાફલાની કાર હાઇવે પર સડસડાટ દોડી જતી હતી ત્યારે રસ્તામાં અચાનક પશુ પસાર થતા આગળની ગાડીના ચાલકે જોરદાર બ્રેક મારી હતી. આથી ગૃહમંત્રીના કાફલાની કાર પાછળ ઇન્ડિગો કાર ધડાકા સાથે ઘૂસી ગઇ હતી.
આ અકસ્માતમાં ઇન્ડિગોમાં બેસેલા દેવશીભાઇ મશરૂભાઇ વડોદરિયા, મોંઘીબેન દેવશીભાઇ, ધીરેનભાઇ, કરશનભાઇને ઇજા પહોંચતા દવાખાને સારવાર માટે લઇ જવાયા હતા. જ્યારે ગૃહમંત્રી સહિત તેમના પાયલોટિંગમાં રહેલા તમામ લોકોને કોઇ ઇજા થઇ ન હતી.
ગૃહમંત્રીના કાફલાની કારને અકસ્માત થયાના સમાચાર વાયુવેગે ફેલાતા તેમના ખબર અંતર જાણવા લોકોના ફોન રણકતા થઇ ગયા હતા. આ બનાવની સાયલા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ સાયલા પોલીસ ચલાવી રહી છે.