આર્ય સમાજ, અમરનાથ ટ્રસ્ટ દ્વારા હોળી પર્વ નિમિત્તે ૧૧ કુંડી શેરીયજ્ઞનું તા. ૧૯ના સાંજે ૪ થી ૬, અમરનાથ મંદિરની પાસે, અમરનાથ ચોક, અટિકા, હસનવાડી મેઇન રોડ કોર્નર ખાતે રાજકોટ ખાતે આયોજન કરાયું છે.
રાજકોટ મનપાના વોર્ડનં-૧૦ યુવા ભાજપ અને અમરનાથ યુવા ગ્રૂપ દ્વારા તા. ૧૯ના હોલિકા ઉત્સવ રાત્રે ૮.૩૦ કલાકે અમરનાથ મહાદેવ મંદિર, સ્વામિનારાયણ મંદિર પાછળ, કાલાવડ રોડ ખાતે યોજાશે. હોલિકા દહન સાથે રક્તદાન શિબિરનું પણ આયોજન કરાયું છે.
ગુરુનાનક યુવક મંડળ દ્વારા જંકશન પ્લોટ, કો. ઓ. હા. સોસાયટી મેઇન રોડ ખાતે તા. ૧૯ના હોલીકા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. લોધાવડ ચોક, ઓટલા પરિષદ દ્વારા તા. ૧૯ના રાત્રે ૮.૩૦ કલાકે ધાર્મિક વિધપિૂર્વક એકવીસ હજાર છાણા અને ૨૧ જાતના ધાનની આહુતિ સાથે હોલીકા દહન કરાશે. ગાયત્રી પરિવાર અને પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા તા. ૧૯ના સાંજે ૬ થી ૮ રૈયા રોડ, અંબિકા પાર્ક સામેના મેદાનમાં હોલીકા દહન કરાશે. જેમાં ગાયત્રી, મહામૃત્યજય મંત્ર, પંચતત્વના દેવનો પ્રસન્ન કરવા વિશિષ્ટ આહુતિઓ અપાશે. તેમજ હોળી સાદાઇથી ઉજવવાનો સંકલ્પ વિકલાંગો દ્વારા કરાયો છે. એકબીજાને ચંદન તિલક કરાશે.
કોઠારિયા કોલોની ગરબી ચોક ખાતે છેલ્લા ઘણા વર્ષોથી ગ્રૂપ દ્વારા હોલીકા દહનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. રાત્રે ૯ કલાકે સાત હજાર છાણાની હોળી પ્રગટાવવામાં આવશે. જંકશન પ્લોટ, ગીતા વિદ્યાલયમાં રવિવારે દ્વારિકાધીશના સાનિધ્યમાં ધૂળેટી પર્વ નિમિત્તે બપોરે ૧૧ કલાકે ફૂલડોલ ઉત્સવ ઉજવાશે. ભાવિકો દ્વારા ઠાકોરજી, બાલકૃષ્ણલાલજીને અબિલ ગુલાલ, ફૂલ પાંદડીના છાંટણા કરાશે. રાજકોટમાં કાલાવડ રોડ, હરિનામ સંકીર્તન મંદિરે તા. ૨૦ના બપોરે ૧૨ કલાકે, ફૂલડોલ ઉત્સવ, વિશેષ ઉત્સવ આરતી કરવામાં આવશે.
રેસકોર્સમાં એક લાખ છાણાંથી હોલિકાદહન કરાશે -
અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના દ્વારા રેસકોર્સ મેદાન ખાતે એક લાખ છાણાની હોલિકાદહનનો કાર્યક્રમ આજ રોજ યોજાશે. આ સાથે રાત્રે ૧૧ કલાકે ઠાકોરજીને ફૂલના દોરા સાથે જોડી ફૂલડોલ ઉત્સવ ઉજવાશે. અબિલ, ગુલાલ, ફૂલોની પ્રતિકાત્મક છોળો ઉડશે.